ઉંડ -1 ડેમ અને નવા બની રહેલા સમ્પની કમિશનરે મુલાકાત લીધી, પાણીની આવક અંગે વિગતો મેળવી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર મહાનગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે આ વર્ષે તમામ ડેમ -જળાશયોમાં પાણીની મબલખ આવક થઇ છે. જામનગરના મહત્વના ગણાતા એવા ઉંડ -1 ડેમ ખાતે કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા  મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વર્ષ દરમિયાન શહેરીજનોને પૂરતું પાણી વિતરણ થાય અને ઉંડ -1 ડેમમાં આવક થયેલ પાણીની સ્થિતિ વિશે વિગતો મેળવવામાં આવી હતી , આ તકે વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઇજનેર પી.સી. બોખાણી પણ હાજર રહ્યા હતા. તેઓએ કમિશનર સમક્ષ ઉંડ-1 ની પાણીની સપાટી અને આવક અંગેની માહિતી પૂરી પાડી હતી.

જામનગર મહાનગરપાલિકા  દ્વારા મુખ્ય ચાર ડેમમાંથી નિયમિત પાણી વિતરણ કરવામાં આવે છે. જેમાં રણજીતસાગર, રસોઈ , આજી-1, ઉડ -1 નો સમાવેશ થાય છે, આ ચારેય ડેમ માં આ વર્ષે વરુણદેવતા રીજતા પાણીની મબલખ આવક થઈ છે. જેમાં જામનગરમાં ઉંડ-1 માંથી નિયમિત 25 એમએલડી પાણી મેળવવામાં આવે છે. તેમ કાર્યપાલક ઇજનેર પી.સી. બોખાણીએ કમિશનર સમક્ષ વિગતો આપતાં જણાવ્યું હતું.

જામ્યુકોના કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા ઉંડ-1ની સ્થળ તપાસ કરવામાં આવી હતી. ઉંડ-1 ડેમની કુલ સપાટી 25.92 ની છે. જેમાં નવા નીરની આવક થતાં 19 ફૂટ પાણીની સપાટી હાલ જોવા મળે છે. અને 1475 MCFT પાણી ડેમમાં ઉપલબ્ધ છે. આ વર્ષે ચોમાસુ સારુ જતાં જામનગરના ડેમોમાં નવા નીરની આવક થઇ છે, જેમાં  ઉડ-1 માં પણ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાની ખાતરી કમિશનર વિજય કુમાર ખરાડીએ સ્થળ તપાસ દરમિયાન કરી હતી.

આ ઉપરાંત ગુલાબ નગર નજીક બની રહેલા નવનિર્મિત સમ્પની પણ કમિશનરે મુલાકાત લીધી હતી. જ્યાં રહેલ કામગીરી ની પણ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.