જામનગર જિલ્લાના સૌપ્રથમ આ ગામમાં નશાબંધીની કડક અમલવારીની પહેલ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

એક તરફ રાજ્યમાં લઠ્ઠા કાંડ અને કેમિકલ કાંડમાં 40 થી વધુ જિંદગીઓમાં ગઈ છે ત્યારે જામનગરના જોડીયા પંથકમાં આવેલા લીંબુડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા નશાબંધી કરવાની અનોખી પહેલ કરવામાં આવી છે.

જોડીયા પંથકના લીંબુડા ગામમાં સરપંચ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે, ગામની અંદર કોઈપણ લોકોએ દારૂ કે પ્રતિબંધિત નશીલા પદાર્થોનું સેવન કરવું નહીં. અને જો કોઈ ગામના નાગરિક કે ખેત મજુર નશો કરેલી હાલતમાં સામે આવશે તો ગ્રામ પંચાયત દ્વારા તેમને ગામમાંથી હાંકી કાઢવામાં આવશે અને તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં પણ આવશે. આ ઉપરાંત લીંબુડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા નશાબંધીની અમલવારી નહીં કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતી સરકારી કામગીરી પણ નહીં કરી આપવામાં આવે તેવો સરપંચે આકરો નિર્ણય લીધો છે.

લીંબુડા ગામના સરપંચ બીપીનભાઈ નાગપરાએ જણાવ્યું હતું કે, જે પ્રકારે દારૂ અને અન્ય બદીઓથી યુવાનો અને અનેક લોકો બરબાદ થઈ રહ્યા છે. ત્યારે લીંબુડા ગામમાં નશાબંધીની અમે કડક અમલવાડી કરાવવા દૃઢ નિર્ણય કર્યો છે. અને ગામજનો એ પણ આ નિર્ણયને આવકાર્યો છે.

ગુજરાતમાં દારૂબંધી છે. ત્યારે તાજેતમાંજ લઠ્ઠા કાંડ અને કેમિકલ કાંડ જેવા બનાવોથી આવી પરિસ્થિતિ પોતાના ગામમાં ન થાય તે માટે સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામમાં સરપંચે બેનર સાથે ઢોલ નગારા વગાડી ગામમાં કડક નશાબંધીની અમલવારી માટે જાહેર ફરમાન પણ કર્યું છે અને અનોખી પહેલ કરી છે.