વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન : દેશ અને વિદેશમાં શોકનું મોજુ

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ :

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે 30 ડિસેમ્બરે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાના નિધનથી વતન વડનગરમાં શોકમગ્ન છે. લોકોએ હીરાબાના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, વડનગર સાથે હીરાબાની અનેક યાદો જોડાયેલી છે તેઓ વડનગરમાં નીડર મહિલા તરીકે ઓળખ ધરાવતા હતા.

છેલ્લા કેટલાક દિવસથી હીરાબા નાદુરસ્ત તબિયતના કારણે યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાં સારવાર દરમિયાન જ ગઈકાલે મોડી રાત્રે અચાનક જ તબિયત લથડી હતી અને વહેલી સવારે  દુનિયા છોડી દીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેના પરિવારજનો દ્વારા રાયસણ ખાતેના નિવાસસ્થાન થી હીરાબાની અંતિમયાત્રા નીકળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંધ આપી હતી અને અંતિમ યાત્રા બસમાં તેઓ પોતાના માતા હીરાબાના મૃતદેહને લઈ સ્મશાન ગૃહ પહોંચ્યા હતા. સ્મશાન ગૃહમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી મોદી પરિવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે હૈયે મુખાગણી આપી હતી અને હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂત થઈ ગયો હતો.

હીરાબાના અવસાનને લઈને ભારત ઉપરાંત દેશ વિદેશના મહાનુભાવો અને રાજકીય અગ્રણીઓ ઉપરાંત સાધુ સંતોએ પણ શ્રદ્ધાંજલિ આપી છે. અને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.