જામનગરની માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરાઇ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

તાજેતરમાં જ સંપન્ન થયેલ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશની આઝાદીના 75માં વર્ષની ઠેર- ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં સ્થિત માનસિક આરોગ્યની હોસ્પિટલ ખાતે ગત તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી અંતર્ગત હોસ્પિટલમાં શ્રમદાન, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ જેવા સામાજિક કાર્યો કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ દ્વારા રમત-ગમતનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં દર્દીઓએ ઇન્ડોર ગેમ્સ એક્ટિવિટી કરેલ હતી. ગત તા. 15 ઓગસ્ટના રોજ કર્મચારીઓ તેમજ અધિકારીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ આમુખ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.  ધ્વજવંદન કાર્યક્રમ બાદ દેશભક્તિ ગીત સ્પર્ધા અને આઝાદી કવીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સીંગના વિધાર્થીઓ દ્વારા દેશભક્તિને અનુરૂપ નાટકની પ્રસ્તુતિ કરાઈ હતી.

કાર્યક્રમને અંતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી, અને સ્વચ્છતા જાળવવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કર્મચારી  રસિકભાઈ ગોસાઈ,  ભાવિકભાઈ રાઠોડ, હોસ્પિટલના અધિક્ષક  ડો. પૂર્ણા સી. મહેતા, સામાજિક કાર્યકર  રમેશભાઈ ગાંભવા તેમજ અન્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.