જામનગર સમાજ સુરક્ષા અંતર્ગત ચિલ્ડ્રન હોમમાં રહેતા બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત ગમતના સાધનો વિકસાવાયા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર શહેરના સાધન કોલોની વિસ્તારમાં આવેલ સમાજ સુરક્ષા અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે રહેતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી મેયર બિનાબેન કોઠારી દ્વારા આઉટડોર પ્લેઇંગ ઇકયુપમેન્ટસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાંથી રૂ.૨,૫૨,૦૯૨ની કિંમતના ખર્ચે રમત ગમતના સાધનો ચિલ્ડ્રન હોમ ખાતે વિકસાવવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ મેયર બિનાબેન કોઠારીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેયરે જણાવ્યું હતું કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્લેઇંગ ઇકયુપમેન્ટસ વિકસાવવામાં આવ્યા છે. જેથી કરીને ચિલ્ડ્રન હોમના બાળકો પણ પોતાના બાળપણનો રમતગમત થકી આનંદ માણી શકે. સમાજિક જવાબદારીના ભાગરૂપે જામનગર મહાનગર પાલિકા તેમજ પક્ષ સાથે મળીને બાળ સુરક્ષા ગૃહમાં રમતગમતના સાધનો વિકસાવવાનો નિર્ણય લેવામાં આવતો હતો જેથી કરીને બાળકો રમતોથી પણ વંચિત ન રહે. બાળકો પોતાના અભ્યાસની સાથે સાથે ઈત્તર પ્રવૃતિઓમાં પણ ભાગ લેતા થાય તે દિશામાં પ્રવૃતિઓ કરવા માટે પણ જિલ્લા બાળ સુરક્ષા એકમને મેયર દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા બદલ સમાજ સુરક્ષા તેમજ બાળ સુરક્ષા એકમનાં અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, વિપક્ષ નેતા આનંદભાઈ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા,મહામંત્રી પ્રકાશભાઈ, વિજયસિંહજી, સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થનાબેન, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર. જે.શિયાર, કોર્પોરેટર ક્રિષ્નાબેન, હર્ષાબા, શૈલેષ રાઠોડ, જમનભાઈ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.