છેલ્લો શો ફિલ્મમાં જામનગરના બાળ કલાકારે કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ દુનિયા છોડી

ફિલ્મી ખબર સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ ‘છેલ્લો શો’માં ભૂમિકા ભજવનાર જામનગરના બાળ કલાકાર રાહુલ કોળીનું કેન્સરના કારણે મૃત્યુ થતા તેનો પરિવાર ભાંગી પડ્યો છે. આપવામાં વસતા અત્યંત ગરીબ પરિવારમાં ઉભરી આવનાર બાળ કલાકારના અચાનક જ અવસાનથી પરિવાર પર આભ ફાટ્યું છે.

ભારત તરફથી ઓસ્કાર માટે આ વર્ષની સત્તાવાર એન્ટ્રી બનેલી ‘છેલ્લો શો’ ફિલ્મના 6 બાળકો પૈકીના એક એવા 15 વર્ષીય રાહુલ કોળીનું લ્યુકેમિયા એટલે કે, બ્લડ કેન્સરને કારણે સારવાર દરમિયાન તેનું અવસાન થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં રાહુલનો ઈલાજ ચાલતો હતો અને તેનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પણ કરવાનું હતું.

મૂળ જામનગરના હાપામાં રહેતા રાહુલને થોડા મહિના પહેલા તાવ આવતો હતો. દવાઓ કરાવ્યા પછી પણ વારંવાર તાવ આવવાને કારણે વધુ તપાસ કરાવતા લ્યુકેમિયાનું નિદાન થયું હતું. ત્યારપછી તેને ઈલાજ માટે જામનગર અને ત્યારપછી અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો. રાહુલ માત્ર 15 વર્ષનો હતો.

આ ફિલ્મના શૂટિંગ પછી તેના પરિવારને આ બીમારી વિશે જાણ થઈ હતી. હવે આ ફિલ્મના રિલીઝના થોડા દિવસ પહેલા જ તેમના નિધનથી સૌ કોઈ ચોંકી ગયા છે.

રાહુલના પિતાએ કહ્યું, ‘રવિવારે 2 ઓક્ટોબરે તેણે નાસ્તો કર્યો હતો, ત્યારપછી તેને વારંવાર તાવ આવી રહ્યો હતો. એ પછી તેને ત્રણ વખત લોહીની ઉલટી થઈ હતી. એ પછી તેનું મોત નિપજ્યું હતું. તેના મૃત્યુથી અમારો પરિવાર ભાંગી ગયો છે, પરંતુ આપણે તેની ફિલ્મ ‘છેલ્લો શો’ રિલીઝના દિવસે એટલે કે 14 ઓક્ટોબરે સાથે જોઈશું’

રાહુલના પરિવારે ગઈકાલે જામનગર પાસે તેમના ગામ હાપામાં તેના માટે પ્રાર્થનાસભા રાખી હતી. ‘છેલ્લો શો’માં રાહુલ ખૂબ જ સારું કામ કર્યું છે અને ફિલ્મ ફેસ્ટિવલમાં તેના કામના ખૂબ જ વખાણ થયા હતા.

ફિલ્મમાં રાહુલ અને ભાવિન સિવાય ઋચા મીના, ભાવેશ શ્રીમલી, પરેશ મહેતા અને ટિયા સબેશ્ચિયને મુખ્ય પાત્ર ભજવ્યા છે. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ જિંદગીની ફિલ્મ પુરી કરી રાહુલે અનંતની વાટ પકડતા રીક્ષા ચલાવતા રાહુલ ના પિતા અને તેના ગરીબ પરિવારમાં નોંધારાનો આધાર જવાથી સૌ કોઈ હતપ્રભ છે.