કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ટાઉનહોલમાં “સ્તન કેન્સર, જાગૃતિ પરિસંવાદ અને તપાસ શિબિર કાર્યક્રમ”

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ટાઉનહૉલ ખાતે સ્તન કેન્સર અંગે જાગૃતી પરિસંવાદ અને તપાસ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ જી. જી. હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં નિષ્ણાંત ડોકટરો દ્વારા મહિલાઓને સ્તન કેન્સર અંગે વિસ્તૃત જાણકારી, તેના લક્ષણો અને નિદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તપાસ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પરિસંવાદમાં મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્સરથી ડરવાની જરૂર નથી પરંતુ તેનો સામનો કરીને જંગ જીતવું જરૂરી છે. કોઈપણ વ્યક્તિને કેન્સર અંગેના લક્ષણોની જાણ થાય તો તુરંત જ તેનું યોગ્ય નિદાન કરાવવું જોઈએ. બહેનોને સ્તન કેન્સર અંગેના કોઈ લક્ષણો જણાય તો ગભરાયા વગર ડોક્ટરનો સંપર્ક કરી જરૂરી સારવાર કરાવવી જોઈએ. જો મહિલાઓમાં આ અંગે જાગૃતતા આવશે તેઓ આપણાં ગુજરાત રાજ્ય અને જામનગર જિલ્લામાં પણ બહેનોમાં સ્તન કેન્સરનું પ્રમાણ ઘટશે. વધુમાં મંત્રી એ જામનગર જિલ્લા પંચાયત અને જી. જી. હોસ્પિટલ દ્વારા યોજવામાં આવેલા આ જાગૃતિ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં ડૉ.ગુપ્તા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર, સિંચાઇ સમિતિના ચેરમેન વિનોદભાઇ, બાંધકામ સમિતિના ચેરમેન કે. ડી. ગાગિયા,આરસીએચઓ, નૂપુરબેન, દિપ્તીબેન, ગાયનેક અને રેડિયોલોજી વિભાગ જી.જી હોસ્પિટલના નિષ્ણાંતો, ડોકટરો તેમજ બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.