જી. જી. હોસ્પિટલમાં નવજાત બાળકોના લાભાર્થે મીલેટ્સ પોષણ કીટ અને બાબાસૂટનું વિતરણ

જાણવા જેવું સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

સમગ્ર રાજ્યમાં ‘પોષણ પખવાડિયા અભિયાન- 2023’ ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસના લક્ષ્યાંક સતત પ્રયત્નો કરવામાં આવી રહયા છે. જે અંતર્ગત, જામનગરની જી. જી. હોસ્પિટલમાં 200 જેટલા નવજાત શિશુઓને બાબાસુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ધાત્રી માતાઓને મિલેટ્સ તથા પોષણ અભિયાનના પ્રિન્ટેડ લોગો સાથે જ્યુટ બેગ/ કીટ અર્પણ કરાઈ હતી.

આ ઉપરાંત, તમામ સગર્ભા અને ધાત્રી માતાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓને જન્મના પ્રથમ કલાકમાં બાળક માટે સ્તનપાનનું મહત્વ, બાળકના ઉછેરના પહેલા 1000 દિવસનું મહત્વ, બાળકને બ્રેસ્ટફિડિંગ એટલે કે સ્તનપાનની સાચી રીત, કાંગારૂ મધર કેર, ટોટલ હિપ રિપ્લેસમેન્ટ (THR) એટલે કે ઘૂંટણની સર્જરી, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ (MMY) તથા ધાન્ય (મીલેટ્સ/ જાડા ધાન્યો) ના ઉપયોગ વિશે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ પ્રવૃત્તિ સમિતિના ચેરમેન હર્ષદીપભાઇ સુતરિયા, આઈ. સી. ડી. એસ. પ્રોગ્રામ ઓફિસર બીનલ બી. સુથાર, બાળ રોગ વિભાગના વડા ડૉ. મૌલિક શાહ, ડૉ. ભદ્રેશ વ્યાસ તેમજ આઈ.સી.ડી.એસ. કચેરી- જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

બાળકના જન્મથી લઈને તેના પહેલા 1000 દિવસ સુધીની સફર વિષે જાણીએ

બાળ ઉછેર એ એક કલા છે. ‘પ્રથમ 1000 દિવસો’ એ સમયગાળા દરમિયાન બાળક જ્યારથી ગર્ભાવસ્થામાં હોય, ત્યાંથી લઈને તે જ્યાં સુધી અઢી વર્ષનું થાય- આ તેના વિકાસ માટે ખુબ જ મહત્વપૂર્ણ સમયગાળો છે. આ સમય દરમિયાન બાળકનું શરીર અને કદ- વજન વધે છે. આ જ સમયગાળા દરમિયાન, બાળક પોતાની માતૃભાષા શીખે છે. બાળક આજુબાજુની પરિસ્થિતિ જોઈને તેની પ્રતિક્રિયા અને હાવભાવ આપતા શીખે છે.

પ્રથમ 1,000 દિવસના સમયગાળા દરમિયાન બાળકનું મગજ અને તેની રોગપ્રતિકારક શક્તિ નોંધપાત્ર રીતે વિકાસ પામે છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાનું સ્વાસ્થ્ય, તેણીને મળતું પોષણ અને તણાવ સ્તર તેના બાળકના ભવિષ્ય પર અસર કરી શકે છે. જન્મથી લઈને પ્રથમ 1000 દિવસ દરમિયાન તમારા બાળકને સારું પોષણ, સલામતી અને પ્રેમાળ ઘરનું વાતાવરણ પૂરું પાડવું મહત્વપૂર્ણ છે.