જિલ્લા પંચાયત દ્વારા ‘પંચાયતી રાજ દિન’ ની ઉજવણી, જામનગર જિલ્લામાં પશુ રોગ નિદાન કેમ્પનું આયોજન કરી 1,227 પશુઓને નિઃશુલ્ક સારવાર અપાઈ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર ખાતે આગામી તા. 1લી મે ના રોજ થનાર ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા વિવિધ વિભાગો દ્વારા ખાસ થીમ આધારિત વિવિધ વિશેષ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ગત તા.24 એપ્રિલના રોજ જિલ્લા પંચાયત જામનગર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં જિલ્લા પંચાયત જામનગરની પશુપાલન શાખા દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળોએ નિઃશુલ્ક પશુ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જોડિયા તાલુકાના કુનડ, જામનગર તાલુકાના ફલ્લા, ધ્રોલ તાલુકાના વાંકિયા, કાલાવાડ તાલુકાના જીવાપર, લાલપુર તાલુકાના નારી તથા જામજોધપુર તાલુકાના તરસાઈ ખાતે ઉપરોક્ત આયોજન હાથ ધરાયું હતું. આ કેમ્પ દરમિયાન જોડિયા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, તેમજ ગામનાં આગેવાનો હાજર રહેલ તેમજ ફલ્લા ખાતે જિલ્લા પંચાયત સદસ્ય કમલેશભાઈ ધમસાણીયા અને સરપંચની પ્રેરક ઉપસ્થિતિ રહ્યાં હતા.

પશુ સારવાર કેમ્પ ખાતે કુલ ૪૩૨ પશુઓને સારવાર, ૪૬૧ પશુઓને કૃમિનાશક દવા વિતરણ, ૧૩૩ પશુઓને જાતીય સારવાર તેમજ ૧૫ પશુઓમાં શસ્ત્ર ક્રિયા કરવામાં આવેલ. આમ ૨૧૫ પશુપાલકોનાં કુલ ૧,૨૨૭ પશુઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી.

આ સાથે સ્થાનિક બેંકોનાં પ્રતિનિધિઓનાં સહયોગથી KCC – પશુપાલનની કુલ ૬૮ અરજીઓ મળેલ હતી જે બેંકને આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવેલ.તેમજ આવેલ પશુપાલકોને આત્મા તેમજ ખેતીવાડી વિભાગનાં કર્મચારીઓ દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.