જામનગરમાં વરસાદ છતાં પોલીસ જવાનોના હોંસલા બુલંદ, પરેડનું રિહર્સલ યથાવત

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીની ચાલી રહેલી જોરદાર તૈયારીઓ વચ્ચે શનિવારે શહેરમાં પડેલો સવા ઇંચ જેટલો વરસાદ પણ ઉજવણીના ઉત્સાહમાં વિઘ્નરૂપ બની શક્યો ન હતો. શનિવારે સાંજે ચાર વાગ્યા બાદ ગુજરાત પોલીસની બેન્ડ, અશ્વદળ, ચેતક કમાન્ડો સાથેની પરેડનું રિહર્સલ પોલીસ જવાનોએ યથાવત રાખ્યું હતું.

આ પ્રસંગે જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદ, જિલ્લા કલેકટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સહિતના ઉચ્ચ અધિકારીઓએ રિહર્સલમાં ઉપસ્થિત રહીને જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો અને પરેડની સલામી ઝીલી હતી. પરેડ શરૂ થાય તે પહેલા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પરેડ સ્ટાર્ટિંગ પોઇન્ટ પર જઈને વ્યવસ્થાઓનું નિરિક્ષણ કર્યું હતું. તેમજ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.