આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીના ભાગરૂપે ધ્રોલમાં વાનગીઓની હરીફાઈનું આયોજન કરાયું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

વર્ષ-૨૦૨૩ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે. જેનો મુખ્ય હેતુ આહાર બદલો, જીવન બદલો, મિલેટ આપનાવી જીવન સ્વસ્થ બનાવો છે. જેને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ઘટક કક્ષાએ મિલેટમાંથી બનતી વિવિધ વાનગી હરીફાઈનું આયોજન તા.૧૪ જુલાઈના રોજ પ્રાંત અધિકારી પ્રણવ વિજયવર્ગીય (I.A.S)ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસના કાર્યકર બહેનો દ્વારા મિલેટમાંથી અવનવી વાનગીઓ બનાવવામાં આવી હતી.

ગત તા.૭ જુલાઈના રોજ સેજા કક્ષાએ યોજાયેલ વાનગી સ્પર્ધા માંથી ૧ થી ૩ નંબર પ્રાપ્ત થયેલ વાનગીઓની ઘટક કક્ષાએ હરીફાઈ કરવામાં આવી હતી. આ મિલેટ વાનગી હરીફાઈમાં ૧ થી ૩ ક્રમાંક મેળવનરને પ્રમાણપત્ર તથા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા CDPO નર્મદાબેન ડી. ઠોરીયાના માર્ગદર્શન હેઠળ મુખ્યસેવિકા, આંકડા મદદનીશ, PSE ઇન્સ્ટ્રક્ટર, જુ. ક્લાર્ક બ્લોક કોઓર્ડીનેટરએ જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબા જાડેજા, મામલતદાર અજયભાઈ ઝાપડા, તાલુકા વિકાસ અધિકારી બ્રિજેશભાઈ સોજીત્રા, RBSK ડો.પૂજાબેન વીસોદિયા, વિસ્તરણ અધિકારી(ખેતી) જીવાભાઈ શિયાર, અધિકારીઓ તેમજ આગેવાનઓ ઉપસ્થિત રહ્યા હતા.