જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે PGVCLના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લામાં વીજતંત્રની વર્તમાન પરિસ્થિતિ અને ગ્રામજનોના પ્રશ્નોના ઉકેલ અર્થે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે દરેડ જી.આઈ.ડી.સી. ખાતે રિવ્યુ બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રી એ બિપરજોય વાવાઝોડા બાદની સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ અને ગ્રામજનોના પ્રશ્નો અંગે પૃચ્છા કરી હતી. મંત્રી એ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારી ઓ અને અધિકારી ઓને લોકપ્રશ્નોના નિવારણ અર્થે તાત્કાલિક પગલાં લેવા માટે કડક સૂચના આપી હતી.

તેમજ મંત્રી એ, જે- તે વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોય, વીજ ફીડરો ચાલતા ન હોય, કનેક્શનમાં કાપ હોય, નવા વીજ ફીડરો મુકવામાં ન આવ્યા હોય- તે તમામ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે ઉદ્યોગકારોને વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા પી. જી. વી. સી. એલ. ના અધિકારી ઓને જણાવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના સુચારુ આયોજનના પરિણામે જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને પગલે કોઈપણ મોટું નુકસાન થયું નથી. તે અંગે મંત્રી એ વીજતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. જે લોકો વીજતંત્રના નિયમોની વિરુદ્ધ જઈને ગેરકાયદે રીતે વીજ કનેક્શન મેળવે છે. તેમને ઝડપવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે ચેકીંગ રાઈડ પણ હાથ ધરવામાં આવશે. તેમજ દરેડ જી. આઈ. ડી. સી. અને આજુબાજુના ગામોમાં વારંવાર સર્જાતા વીજ પાવરના પ્રશ્નોના પગલે નવા ફીડરનું ઈન્સ્ટોલેશન કરવું, રેસિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વીજ પુરવઠો અલગ- અલગ રીતે પૂરો પડવો- આવા તમામ મુદ્દાઓ પર મંત્રી એ ગ્રામજનો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

મંત્રી નું હોદ્દેદારો દ્વારા શાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉક્ત બેઠકમાં જામનગર પી.જી.વી.સી.એલ. વિભાગમાંથી નાયબ ઈજનેર એમ. આર. કાલરીયા, એચ. એચ. વરુ, કાર્યપાલક ઈજનેર એમ. એમ. રાબડીયા, અધિક્ષક ઈજનેર એલ. કે. પરમાર, નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લ તેમજ ચંગા, ચેલા, દરેડ અને આજુબાજુના ગામના હોદ્દેદાર ઓ ઉપસ્થિત રહ્યા હતા.