કેબિનેટ મંત્રી મુળુ બેરાની લાલપુર પંથકમાં ડિઝાસ્ટર સમીક્ષા બેઠક

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને લાલપુર પ્રાંત કચેરીના મિટિંગ હોલમાં ‘ડિઝાસ્ટર સમીક્ષા બેઠક’ યોજાઈ હતી. જામનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે થયેલ નુકસાનનો અભ્યાસ અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અને પગલાંની મંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

લાલપુર તાલુકામાં ગત તા. 21 જુલાઈ સુધીમાં ચાલુ સિઝનનો કુલ 59.62% જેટલો વરસાદ વરસી ચુક્યો છે. ભારે વરસાદને પગલે લાલપુરમાં 143 જેટલા કુટુંબો અસરગ્રસ્ત થયા છે.

ઉક્ત બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડા દરમિયાન લાલપુર તાલુકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુચારુ કામગીરીના પગલે આપણે ઘણું બધું નુકસાન અટકાવી શક્યા છીએ. હું અધિકારીઓને આ માટે અભિનંદન પાઠવું છું. મંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્તોનું તાત્કાલિક સ્થળાંતર કરાવવા માટે સૂચના આપી હતી. તેમજ અસરગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લઈને તેમને સંપૂર્ણ રીતે મદદરૂપ થવા માટે જણાવ્યું હતું.

મંત્રીએ આગળ જણાવ્યું હતું કે, હાલમાં લાલપુરમાં હરીપર એપ્રોચ પર પાણી ઓવરટિપિંગ થયું હોવાથી તે રસ્તો બંધ રાખવામાં આવ્યો છે. તે અંગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં વૈકલ્પિક રસ્તા તરીકે જામનગર- લાલપુર- પોરબંદર રોડથી એપ્રોચના બીજા એન્ડથી હરીપર ગામમાં લોકો અવર- જવર કરી શકશે. તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રીતે સાફ- સફાઈ હાથ ધરવામાં આવશે.

બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ સાજીદ કાંબરીયા, લાલપુર ગ્રામ પંચાયત સરપંચ જયેશ તેરૈયા, લાલપુર પ્રાંત અધિકારી એન.ડી.ગોવાણી, લાલપુર તાલુકા વિકાસ અધિકારી પંકજ મહેતા, મામલતદાર બી.એમ.રાજકોટીયા, લાલપુર તાલુકા પંચાયતના સદસ્યઓ, પી.જી.વી.સી.એલ., માર્ગ અને મકાન વિભાગ અને સિંચાઈ વિભાગના અધિકારીગણ, આજુબાજુના ગામમાંથી આવેલા પ્રતિનીધિઓ તેમજ અરજદારો હાજર રહયા હતા.