એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજમાં ‘મેન્ટરશિપ હેન્ડસ હોલ્ડિંગ પ્રોગ્રામ’

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં આવેલી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશમાં પ્રથમ નંબરની અને રાજ્યમાં દ્વિતીય નંબરની મેડિકલ કોલેજનું સ્થાન ધરાવે છે. જ્યાં મહત્તમ અન્ડર ગ્રેજ્યુએટ એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ તમામ તબીબી વિદ્યાર્થીઓને અલગ-અલગ વિભાગોમાં પણ સેવા આપવાની હોવાથી તેમના પર કામનું ભારણ ખૂબ રહે છે.

તેથી, વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ગત તા.21 જુલાઈના રોજ પ્રથમ વર્ષના 250 જેટલા એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ માટે ‘મેન્ટરશિપ હેન્ડસ હોલ્ડિંગ પ્રોગ્રામ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં, વિદ્યાર્થીઓને તેમના મેન્ટર સાથે મુલાકાત બાદ તેમના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. તબીબી વિદ્યાર્થીઓનું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સારું બની રહે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મેડિસિન વિભાગના પ્રાધ્યાપક અને એડિશનલ ડીન ડો.એસ.એસ.ચેટરજી તેમજ મેડિસિન વિભાગના સહપ્રધ્યાપક ડો.ભુપેન્દ્ર ગોસ્વામી હાલમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.

તેમજ સંસ્થા ખાતે, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે પણ એક અલગથી કમિટીની રચના કરવામાં આવેલી છે. અત્યારે, અંદાજિત 100થી વધુ વિદ્યાર્થીઓ ઉક્ત સ્કોલરશિપનો લાભ મેળવી રહ્યા છે. આ સ્કોલરશિપ સંસ્થા ખાતે અગાઉ અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા એલ્યુમીનાઈઝ, યુ.એસ.એ.ના એલ્યુમીનાઈઝ તેમજ અન્ય દાત્તાઓ તરફથી પ્રાપ્ત થાય છે. તેમ સંસ્થાના ડીન ડો.નંદિની દેસાઈની યાદીમાં જણાવવામાં આવ્યું છે.