જામનગરના મંદિરોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ટૂંકા વસ્ત્રો નહિ પહેરવા આહ્વાન કરતાં બોર્ડ લગાવાયા

ધર્મ-આધ્યાત્મિક સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલા હિન્દુ મંદિરોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરી ન શોભે તેવા ટૂંકા વસ્ત્રો ન પહેરીને મંદિરોમાં પ્રવેશ કરતા લોકોને પૂરતા અને સનાતન હિંદુ સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો પરિધાન કરી પ્રવેશ માટે અનુરોધ કરતા બોર્ડ લગાવવામાં આવ્યા છે.

જામનગરના શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ શ્રી 5 નવતનપુરી ધામ- ખીજડા મંદિરે તુલસી શાસ્ત્રીજી અને મંદિરના કર્મચારી સાથે , શ્રી સ્વામિનારાયણ મંદિરે કોઠારી ચત્રભુજ સ્વામી સાથે, શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરે ટ્રસ્ટી સાથે, મોટી હવેલી ખાતે હરિભાઈ ઘાડીયા, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ટ્રસ્ટી સાથે અને અન્નપૂર્ણા મંદિર લાલવાડી સહિતના ધર્મસ્થાનોમાં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર વિભાગના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારાપરા, ઉપાધ્યક્ષ સુભ્રમણયમભાઈ પીલ્લે, મંત્રી હેમતસિંહ જાડેજા, સહ મંત્રી તેમજ ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, જિલ્લા પ્રચાર-પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, માતૃશક્તિ મહિલા વિભાગના પ્રાંત સહસંયોજિકા હીનાબેન અગ્રાવત, પ્રફુલાબેન અગ્રાવત, સ્વરૂપબા જાડેજા, રીનાબેન નાનાણી, બજરંગ દળ ના સહ સંયોજક જીલ બારાઈ, ધ્રુમિલ લંબાટે, નિર્મલ દુધાગરા, આકાશ વાઘેલા, રાજ નારિયા સહિતના અગ્રણી હોદ્દેદારોએ આહવાન કરતા બોર્ડ લગાવ્યા છે.

વિશ્વ હિન્દુ પરિષદ – જામનગર દ્વારા ધાર્મિક સ્થાનોમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે જેમાં ઉલ્લેખ કરાયો છે કે, મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશવું નહીં સનાતનની હિંદુ ભાઈ-બહેનો ને સંબોધીને લખાયેલા આ બોર્ડમાં સનાતન હિંદુ સંસ્કૃતિમાં મંદિરનું મહત્વ વિશેષ છે. અહીં દર્શને આવતા સર્વેએ આપની આસ્થા અને શ્રદ્ધાને ખૂબ જ પવિત્રતા પૂર્વક ધાર્મિક સંસ્કૃતિને અનુરૂપ પૂરતા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ કરવો. ટૂંકા અને ન શોભે તેવા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ કરવો નહીં તેમ જણાવાયું છે.