પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ જામનગર જિલ્લાના કોઈ બાળકોએ વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય તે બાળકોનું નોમિનેશન કરાવવા અંગે જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ, જામનગરની વિવિધ શાળા-કોલેજોના આચાર્યોને અપીલ કરી જરૂરી સૂચનો કર્યા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યના બાળકોને વિવિધ ક્ષેત્રે કરેલ શ્રેષ્ઠ પ્રદર્શન આધારિત “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” આપવામાં આવે છે.જેમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વર્ષ ૨૦૨૨-૨૩ માટે ગુજરાત રાજ્યમાં બાળકો દ્વારા સાહસિકતા રમત-ગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, કળા અને સંસ્કૃતિ અને નવીનતાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ હોય તેવા બાળકોનું રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર નોમિનેશન કરાવી શકાશે. નોમિનેશન માટે https://awards.gov.in/Home/AwardLibrary પોર્ટલ પર તા.૩૧-૮-૨૦૨૩ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

દર વર્ષે ૨૬ મી ડીસેમ્બરના રોજ “વીર બાળ દિવસ ઉજવવામાં આવે છે. તા. ૨૬ ડીસેમ્બર ૧૭૦૫ ના રોજ શીખ સમુદાયના દસમા ગુરુ ગોવિંદસિંગજીના નાના બાળકો સાહિબઝાદા ઝોરાવર સિંગ અને સાહિબઝાદા ફતેહ સિંગએ અનુક્મે માત્ર છ અને નવ વર્ષની કુમળી વયે આપેલા મહાન બહાદુરી અને સર્વોચ્ચ બલિદાનને બિરદાવવા હેતુ આપણા દેશના બહાદુર બાળકોને બહાદુરી એવોર્ડ આપવામાં આવે છે. દરેક કેટેગરીના વિજેતાઓને મેડલ, પ્રશસ્તિપત્ર અને રૂ. એક લાખનું રોકડ ઇનામ આપવામાં આવે છે.

જે બાળકો ભારતીય નાગરિક તેમજ ભારતમાં વસવાટ કરતાં હોય, 18 વર્ષ સુધીનું બાળક (અરજી/નોમિનેશનની તારીખ સુધી), અરજી/નોમિનેશનની છેલ્લી તારીખથી ૦૨ વર્ષની અંદર ઘટના/સિદ્ધિ મેળવેલી હોવી જોઈએ તેમજ ACHIEVEMENT AND EXCELLENCEની સમાજ પર અસર થયેલ હોવી જોઈએ તેઓ નોમિનેશનને પાત્ર રહેશે.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શિયાર, આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર બિનલ સુથાર, વિવિધ વિભાગના અધિકારીઓ, જામનગરની શાળા કોલેજોના આચાર્યો હાજર રહ્યા હતા.