જામનગર જિલ્લાના ખેડૂતો માટે બિયારણની ખરીદી અંગે કાળજી રાખવાની માર્ગદર્શિકા જાહેર

જાણવા જેવું સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક :

જામનગર જિલ્લાના તમામ ખેડૂતો માટે આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે કાળજી રાખવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર, ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવી જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય, તો તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી જોઈએ નહીં. જેથી ખેડૂતો છેતરપીંડીથી બચી શકે.

ખેડૂતોએ બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણની ખરીદી કરી હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દદત પૂરી થવાની વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું જોઈએ. બિયારણની થેલી સીલબંધ છે કે કેમ, તેમજ તેની મુદ્દત પૂર્ણ થઈ ગયેલી નથી તે બાબતની ખાસ ચકાસણી કરવી જોઈએ.

કોઈપણ સંજોગોમાં મુદ્દત પૂર્ણ થઈ ગયેલી હોય તેવા બિયારણની ખરીદી કરવી જોઈએ નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવ્યા ન હોય કે 4 જી અને 5 જી જેવા અલગ અલગ નામેથી વેચાતા અમાન્ય બિયારણની ખરીદી કરવી જોઈએ નહીં. તેમજ આ પ્રકારના બિયારણનું વેંચાણ થતું હોવાનું જો ધ્યાનમાં આવે, તો તાત્કાલિક ધોરણે સંબંધિત તાલુકાના ખેતીવાડી અધિકારી અથવા સ્થાનિક જામનગરની કચેરીના સંપર્ક નંબર 0288-2551137 પર જાણ કરવી જોઈએ.

તેમજ વાવણી કર્યા બાદ ખરીદેલા બિયારણનું પેકેટ કે થેલી અને તેનું બિલ સાચવી રાખવું જોઈએ. તેમ નાયબ ખેતી નિયામક વિસ્તરણ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.