સૌરાષ્ટ્રની સૌપ્રથમ ‘વંદે ભારત ટ્રેન’નો જામનગર રેલવે સ્ટેશનથી પ્રારંભ, સાંસદ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

દેશ-વિદેશ સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે સમગ્ર ભારતમાં 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ 9 નવી ટ્રેનમાં જામનગર-અમદાવાદ, ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કાસરગોડ-તિરુવનંતપુરમ જેટલા રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગર રેલવે સ્ટેશન પરથી સાંસદ પૂનમબેન માડમ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘વંદે ભારત ટ્રેન’ને લીલી ઝંડી આપવામાં આવી હતી.

કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ અને સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, ‘’આજનો દિવસ આપણા ઇતિહાસમાં સમગ્ર હાલાર પંથક માટે સુવર્ણ દિન તરીકે લેખિત થયો છે. ભૂતકાળમાં જામનગરથી અન્ય સ્થળોએ પહોંચવા માટે ખુબ સમય લાગતો હતો. વંદે ભારત ટ્રેનની શરુઆતથી માત્ર સાડા 4 કલાકમાં જામનગરથી અમદાવાદ સહેલાઈથી પહોંચી શકાશે. હાલાર પંથકના વિકાસ માટે વંદે ગુજરાત ટ્રેન એ એક મજબૂત પગલું છે..’’

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રેલવે અને કાપડ મંત્રાલય દર્શનાબેન જરદોશે વર્ચ્યુઅલ માધ્યમ થકી પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો.

‘વંદે ભારત ટ્રેન’ની વિશેષતાઓ…

હાલાર પંથકને સમગ્ર રાજ્ય સાથે કનેક્ટ કરતી વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. આ ટ્રેન જામનગરથી સવારે 05:30 કલાકે ઉપડશે અને 10:10 કલાકે અમદાવાદ પહોંચશે. જયારે અમદાવાદથી આ ટ્રેન સાંજે 17:55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22:35 કલાકે જામનગર પહોંચશે. આ ટ્રેનનો રૂટ જોઈએ તો, તેમાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટ્રેનમાં એ.સી. ચેર કાર અને એક્સકલુસિવ ચેર કાર કોચ બનાવવામાં આવ્યા છે.

આ ટ્રેનમાં સોફ્ટ ગાડીવાળી બેઠકો, 360 ડિગ્રી રોટેટિંગ મોડ, ટચ સ્ક્રીન, સ્લાઇડિંગ ડોર, પર્સનલ રીડિંગ લાઇટ્સ, અટેચ્ડ મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી, એક્ઝિટ ગેટ્સ, સી.સી.ટી.વી. કેમેરા વગેરે જેવી અતિ-આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી છે. આ ટ્રેનની મુસાફરી એ તમને એરોપ્લેનની મુસાફરી જેવો અનુભવ પૂરો પાડે છે. કાર્યક્મમાં મંચસ્થ મહાનુભાવોનું બામ્બુ પ્લાન્ટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ડિવિઝનલ રેલવે મેનજર અશ્વિનીએ ઉપસ્થિત સર્વને વંદે ભારત ટ્રેન વિષે માહિતગાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને અન્ય મહાનુભાવોની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના વિવિધ ભાગોમાં ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વંદે ભારત ટ્રેન પર બનેલી સુંદર શોર્ટ ફિલ્મનું પ્રસારણ કરાયું હતું. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 25 જેટલી વંદે ભારત ટ્રેનમાં અંદાજે 1 કરોડ કરતાં વધુ લોકોએ મુસાફરી પૂર્ણ કરી છે.

કાર્યક્રમમાં, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, અગ્રણીઓ ડો.વિમલભાઈ કગથરા, રમેશભાઈ મૂંગરા, વેસ્ટર્ન રેલવે યુનિટના અધિકારીઓ, કર્મચારીગણ, શાળાના વિધાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં જામનગરવાસીઓ હાજર રહયા હતા.