ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ :
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૬ના પ્રારંભ બાદ ગુજરાતની પ્રથમ સુખદ યાત્રામાં સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી બનતા જણાવ્યું હતું કે, આજે ‘વિકાસ અને વિરાસત’ના મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. બે દાયકા પૂર્વે એક સપનાથી શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાતની યાત્રા આજે એક ગ્લોબલ બેન્ચમાર્ક સાથે અતૂટ ભરોસા સુઘી પહોંચી છે. અત્યાર સુધીમાં ૧૦ વાઈબ્રન્ટ સમિટ યોજાઈ ચૂકી છે. વાઈબ્રન્ટ સમિટ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વને ગુજરાતના સામર્થ્યથી પરિચિત કરાવવાનો હતો, પરંતુ આજે તે રોકાણથી આગળ વધીને ગ્લોબલ ગ્રોથ અને પાર્ટનરશીપનું એક મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે. અહીં કોર્પોરેટ ગ્રુપ, MSME, સ્ટાર્ટઅપ્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કદમથી કદમ મિલાવીને વિકાસના પથ પર આગળ વધી રહી છે.
વડાપ્રધાને ગુજરાતના અલગ-અલગ વિસ્તારોની અપાર શક્તિ અને ક્ષમતાઓ વિશે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના દરેક પ્રદેશની પોતાની તાકાત છે, પછી તે કોસ્ટલ લાઈનનું સામર્થ્ય હોય, ટ્રાયબલ બેલ્ટ હોય, ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર હોય કે ખેતી અને પશુપાલનની સમૃદ્ધ પરંપરા હોય. આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા આગળ વધી રહ્યું છે. શ્વેતક્રાંતિ એટલે કે દૂધ ઉત્પાદન અને જેનરિક દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છીએ. દુનિયામાં સૌથી વધુ વેક્સિન (રસી) બનાવનાર દેશ ભારત છે. ભારત દેશ આજે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરર છે. આપણું UPI દુનિયાનું નંબર વન રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ છે. ભારતમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે અને સોલર પાવર તથા મેટ્રો નેટવર્કમાં પણ આપણે ટોપ ત્રણમાં છીએ.
તેમણે ઉમેર્યું હતું કે, ‘રીફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ’ના મંત્રને કારણે આજે વિશ્વની તમામ ગ્લોબલ સંસ્થાઓ ભારતમાં રોકાણ કરવા તત્પર છે. IMF ભારતને ગ્લોબલ ગ્રોથનું એન્જિન માને છે અને ફિચ (Fitch) જેવી રેટિંગ એજન્સીઓ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અભૂતપૂર્વ નિશ્ચિતતા સાથેની ભારતની આર્થિક સ્થિરતાને બિરદાવી રહી છે. વડાપ્રધાને ગર્વભેર જણાવ્યું હતું કે, ભારત આજે અસીમ સંભાવનાઓનો દેશ બની ગયો છે, આપણા દેશમાં સ્થિરતા અને નીતિઓમાં સાતત્ય છે. ભારતમાં મધ્યમવર્ગના વ્યાપની સાથે તેઓની ખરીદશક્તિની ક્ષમતાઓ વધી રહી છે. આ તમામ પરિબળોને કારણે ભારત આજે રોકાણકારો માટે પ્રથમ પસંદગી બન્યું છે.
વડાપ્રધાને આ તકે રોકાણકારો માટે “આ જ સમય છે, સાચો સમય છે” તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જેનું વાઇબ્રન્ટ સમિટ ઉત્તમ પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું હતું કે, ભારત દેશ ”વિકસિત ભારત” બનવા તરફ હરણફાળ ગતિએ આગળ ધપી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણકારો રોકાણ કરવાનો આ જ શ્રેષ્ઠ સમય છે. સૌરાષ્ટ્ર અને કચ્છની આ ધરતી એ શીખવ્યું છે કે, પડકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, જો ઈમાનદારી અને મહેનતથી મક્કમ રહીએ તો સફળતા જરૂર મળે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોએ પરિશ્રમથી તેમનું ભાગ્ય બદલ્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માત્ર તકોનો પ્રદેશ નથી, પરંતુ ભારતના ગ્રોથનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આ પ્રદેશની ભૂમિકા ખૂબ મોટી છે, એમ કહી જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં જ અઢી લાખથી વધુ MSME કાર્યરત છે. રાજકોટમાં સ્ક્રૂ-ડ્રાઈવરથી લઈને ઓટો પાર્ટ્સ, મશીન ટૂલ્સ અને રોકેટ સુધીના પાર્ટ્સ તૈયાર થઈ રહ્યા છે. આ પ્રદેશ હાઈ-ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગની સમગ્ર વેલ્યુ ચેઈનને સપોર્ટ કરે છે.
મોરબીની વાત કરતાં વધુમાં તેમણે કહ્યું હતું કે, મોરબી આજે ટાઇલ્સના મોટા ઉત્પાદકોમાનું એક છે અને વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. એક સમયે મેં મોરબી, જામનગર અને રાજકોટના ત્રિકોણને ‘મિની જાપાન’ બનાવવાનું સપનું જોયું હતું, તે આજે હકીકત બની રહ્યું છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન આજે આધુનિક મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર છે, જ્યાં ભારતની પહેલી સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી તૈયાર થઈ રહી છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર અને કચ્છ આજે ગ્રીન ગ્રોથ અને એનર્જી સિક્યોરિટીનું પણ હબ બની રહ્યા છે. કચ્છમાં ૩૦ ગીગાવોટની ક્ષમતા ધરાવતો દુનિયાનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે, જે પેરિસ શહેર કરતા પાંચ ગણો મોટો છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજે ક્લીન એનર્જીના ક્ષેત્રમાં ભારત માત્ર પ્રતિબદ્ધતા જ નહીં, પરંતુ ‘કોમર્શિયલ સ્કેલ રિયાલિટી’ સાથે આગળ વધી રહ્યું છે. ગ્રીન હાઈડ્રોજનના સામર્થ્યથી સૌ પરિચિત છે અને ભારતમાં આ દિશામાં અભૂતપૂર્વ ઝડપી સ્કેલ પર કામ થઈ રહ્યું છે, જેમાં કચ્છ અને જામનગર ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનના મોટા કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે. કચ્છમાં સ્થાપિત કરવામાં આવી રહેલી વિશાળ ‘બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ’ (BESS) દ્વારા રિન્યુએબલ એનર્જીની સાથે ગ્રીડ સ્ટેબિલિટી અને વિશ્વસનીયતા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂકતા વડાપ્રધાને કહ્યું કે, આ પ્રદેશ વિશ્વકક્ષાના બંદરોથી સજ્જ છે, જ્યાંથી ભારતની નિકાસનો મોટો હિસ્સો પસાર થાય છે. પિપાવાવ અને મુંદ્રા જેવા બંદરો આજે ભારતના ઓટોમોબાઈલ એક્સપોર્ટના મેજર હબ બની ચૂક્યા છે
ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઉદ્યોગો માટે સજ્જ માનવબળ તૈયાર કરવામાં પણ ગુજરાત અગ્રેસર છે. રાજ્યમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસની આંતરરાષ્ટ્રીય ઈકોસિસ્ટમ ઉપલબ્ધ છે. ગુજરાત સરકારની ‘કોશલ્ય સ્કીલ યુનિવર્સિટી’ ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની યુનિવર્સિટીઓના સહયોગમાં યુવાનોને ફ્યુચર-રેડી સ્કીલ્સ માટે તૈયાર કરી રહી છે. આ ઉપરાંત, દેશની પ્રથમ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી અને ગતિશક્તિ યુનિવર્સિટી દ્વારા રોડ, રેલવે, એરવેઝ, વોટરવેઝ અને લોજિસ્ટિક્સ જેવા દરેક ક્ષેત્ર માટે કુશળ માનવબળ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની બે અગ્રણી યુનિવર્સિટીઓએ પણ ગુજરાતમાં પોતાના કેમ્પસ શરૂ કર્યા છે, જે દર્શાવે છે કે અહીં રોકાણની સાથે ટેલેન્ટ પાઈપલાઈન પણ સુનિશ્ચિત છે.
ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર વિશે વાત કરતા વડાપ્રધાએ જણાવ્યું કે, અહીં નેચર, એડવેન્ચર, કલ્ચર અને હેરિટેજનું અદભૂત મિશ્રણ છે. લોથલમાં બની રહેલું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ભારતની સાડા ચાર હજાર વર્ષ જૂની દરિયાઈ વિરાસતનું પ્રતીક છે. કચ્છનું રણોત્સવ અને ત્યાંની ટેન્ટ સિટી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. વન્યજીવ પ્રેમીઓ માટે ગીર ફોરેસ્ટમાં એશિયાટિક સિંહના દર્શનનો અનેરો અનુભવ છે, જ્યાં વર્ષે ૯ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ શિવરાજપુર બીચ ઉપરાંત માંડવી, સોમનાથ અને દ્વારકામાં બીચ ટુરિઝમની ઘણી શક્યતાઓ છે, જ્યારે દીવ વોટર સ્પોર્ટ્સ માટે શ્રેષ્ઠ ડેસ્ટિનેશન બની રહ્યું છે.
વડાપ્રધાને સૌરાષ્ટ્રના વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં કરવામાં આવતું દરેક રોકાણ ગુજરાત અને સમગ્ર દેશના વિકાસને નવી ગતિ આપશે. તેમણે રવાંડાના હાઈ કમિશનરની વાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ભારત દ્વારા રવાંડાને ભેટમાં આપવામાં આવેલી ૨૦૦ ગીર ગાયોએ ત્યાંની ગ્રામીણ અર્થવ્યવસ્થાને એક મોટી તાકાત આપી છે. આજે રવાંડાના હજારો પરિવારો પાસે ગીર ગાયો છે અને ત્યાંના દરેક ઘરમાં તે જોવા મળે છે.
વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારત સરકાર ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત દરેક ક્ષેત્રમાં ‘નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ’ લાવવામાં આવ્યા છે. તાજેતરમાં અમલી બનેલા જીએસટી સુધારાઓથી ખાસ કરીને MSMEને મોટો ફાયદો થયો છે. આ ઉપરાંત, ઇન્શ્યોરન્સ સેક્ટરમાં ૧૦૦ ટકા FDIને મંજૂરી આપવામાં આવી છે, જેથી દેશના દરેક નાગરિકને વીમા કવરેજ મળી શકે. સરકારે છ દાયકા જૂના ઇનકમ ટેક્સ કાયદાને આધુનિક બનાવ્યો છે અને ઐતિહાસિક લેબર કોડ લાગુ કરીને શ્રમિકો તેમજ ઉદ્યોગો બંને માટે એક સમાન માળખું તૈયાર કર્યું છે.
ભારત આજે ડેટા આધારિત ઇનોવેશન, AI રિસર્ચ અને સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બની રહ્યું છે એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વધતી જતી પાવર ડિમાન્ડને પહોંચી વળવા માટે ન્યુક્લિયર પાવર સેક્ટરમાં પણ મોટા સુધારા કરવામાં આવ્યા છે અને સિવિલ ન્યુક્લિયર એનર્જીને ખાનગી ભાગીદારી માટે ખુલ્લી મૂકવામાં આવી છે, જે રોકાણકારો માટે એક મોટી તક છે.
વડાપ્રધાને રોકાણકારોને વિશ્વાસ અપાવતા જણાવ્યું હતું કે, ભારતની આ રિફોર્મ જર્ની હવે અટકવાની નથી. તેમણે રોકાણકારો અહીં માત્ર MoU કરવા નથી આવ્યા, પરંતુ સૌરાષ્ટ્રના વિકાસ અને તેની વિરાસત સાથે જોડાયા છે અને તેમના રોકાણની પાઈ-પાઈ અહીંથી શાનદાર વળતર આપશે. વર્ષ ૨૦૨૭ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા આ પ્રકારના પ્રાદેશિક સમિટના આયોજન બદલ ગુજરાત સરકારની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ અવસરે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીતથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક વિઝન સાથે વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરાવીને ગુજરાતની ઉદ્યોગ સંભાવનાને વિશ્વ સમક્ષ મૂકી હતી. મહાજન, પ્રજાજન અને પ્રશાસનના પ્રયાસો તેમજ શ્રેણીબદ્ધ વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન અને રોકાણ માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન બન્યું છે. વાઇબ્રન્ટ સમિટની છેલ્લા બે દાયકાની સફળતાના પરિણામે રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષોમાં રૂ. ૩.૫૭ લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે.
રાજ્યના સર્વાંગી વિકાસની ઝાંખી આપતા તેમણે કહ્યું હતું કે, ગુજરાત આજે “ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર” (ભવિષ્ય માટેનું વૈશ્વિક દ્વાર) બન્યું છે અને પ્રગતિના નવા બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે. ઓટો સેક્ટર, સેમીકન્ડક્ટર, ફાઇનાન્શિયલ સર્વિસિસ, એ.આઈ., ગ્રીન એનર્જી જેવા ઉભરતા અનેક ક્ષેત્રોમાં ગુજરાત આજે હબ બનવા તરફ જઈ રહ્યું છે.
વર્ષ ૨૦૨૪ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ૯૮ હજાર જેટલા એમ.ઓ.યુ. થયાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, તેમાંથી ૨૫,૫૦૦ એમ.ઓ.યુ. સૌરાષ્ટ્ર-કચ્છના હતા. તેમાંથી ૭૮ ટકા પ્રોજેક્ટ કમિશન્ડ થઈ ચૂક્યા છે.
કચ્છ-સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ કોન્ફરન્સ અંગે તેમણે કહ્યું હતું કે, આ પ્રદેશના ૧૨ જિલ્લાઓ રિન્યુએબલ એનર્જી, વર્લ્ડ ક્લાસ પોર્ટ, શિપ બિલ્ડિંગ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક, કેમિકલ, ફિશરીઝ અને બ્લુ ઇકોનોમી વગેરે જેવા ક્ષેત્રોમાં રોકાણ માટેની સુદ્રઢ ઇકોસિસ્ટમ ધરાવે છે.
ગુજરાતમાં જિલ્લાઓ “વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ”ની સંકલ્પના સાકાર કરે તે માટે રાજ્ય સરકાર સ્ટેટ જી.ડી.પી.ની જેમ જ જિલ્લાના જી.ડી.પી.માં વૃદ્ધિનો કન્સેપ્ટ લાવી છે. જિલ્લાઓના વિકાસને નવી દિશા આપવા રાજ્યમાં છ રીજનલ ગ્રોથ હબ વિકસાવાઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “સોમનાથ સ્વાભિમાન પર્વ”થી જન-જનમાં આસ્થાની જ્યોત વધુ પ્રબળ બનાવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ઉદ્યમશીલતાથી આત્મનિર્ભરતાને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાવરકુંડલા (અમરેલી), ભાવનગર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ સાત જિલ્લામાં ૩૫૪૦ એકરમાં નિર્માણ પામનારા ૧૩ નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જાહેરાત કરાઈ હતી. તેમજ વડાપ્રધાનના હસ્તે રાજકોટ જિલ્લાના નાગલપર ખાતે ૩૩૬ એકરમાં નવનિર્મિત મેડિકલ ડીવાઈસ પાર્કનું ઇ-લોકાર્પણ કરાયું હતું.
આ અવસરે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા, સર્વે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ઋષિકેશભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, રીવાબા જાડેજા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મુખ્ય સચિવ એમ. કે. દાસ, અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, ટાટા કેમિકલ્સના એમ.ડી. આર. મુકુંદન સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ સાહસિકો, વિદેશી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં રૂ. સાત લાખ કરોડનું રોકાણ કરશે: મુકેશ અંબાણી
ગ્રીન એનર્જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રમતગમત ક્ષેત્રે મોટા સાહસો દ્વારા ગુજરાતને વૈશ્વિક ફલક પર લઈ જવાની નેમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાત માટે પાંચ મોટી અને મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ ગુજરાતની ઓળખ છે અને ગુજરાત એ રિલાયન્સનું હૃદય છે. આ પ્રસંગે તેમણે રાજ્યના વિકાસ માટે રિલાયન્સની કટિબદ્ધતાને “સંકલ્પ” તરીકે જાહેર કરી હતી.
રિલાયન્સ અત્યાર સુધી ગુજરાતમાં સૌથી મોટું રોકાણકાર રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ રૂ. ૩.૫ લાખ કરોડનું રોકાણ કર્યું છે, જેને આગામી પાંચ વર્ષમાં બમણું કરીને રૂ. સાત લાખ કરોડ કરવામાં આવશે. જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે.
(૧) જામનગર ખાતે વિશ્વનું સૌથી મોટું સંકલિત ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં સોલર, ગ્રીન હાઇડ્રોજન અને સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ જેવા ઉદ્યોગોનો સમાવેશ થશે. જામનગર હવે હાઇડ્રોકાર્બનને બદલે ગ્રીન એનર્જીનું મોટું નિકાસકાર બનશે.
(૨) કચ્છમાં મલ્ટી-ગીગાવોટ ક્ષમતા ધરાવતો સોલર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે, જે ભારતની ઉર્જા સુરક્ષામાં મહત્વનું યોગદાન આપશે.
(૩) જામનગરમાં ભારતનું સૌથી મોટું AI-રેડી ડેટા સેન્ટર સ્થાપવામાં આવશે. જિયો દ્વારા એક ખાસ ‘ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ’ લોન્ચ કરાશે, જેનો પ્રારંભ ગુજરાતથી થશે, જેથી સામાન્ય નાગરિક પોતાની ભાષામાં AI સેવાનો ઉપયોગ કરી શકે.
(૪) પ્રધાનમંત્રીના ૨૦૩૬માં અમદાવાદમાં ઓલિમ્પિક લાવવાના વિઝનને ટેકો આપવા રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાત સરકાર સાથે જોડાશે. નારણપુરા ખાતેના વીર સાવરકર મલ્ટી-સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન રિલાયન્સ સંભાળશે.
(૫) સૌરાષ્ટ્રના જામનગરમાં વિશ્વસ્તરીય હોસ્પિટલની સ્થાપના કરવામાં આવશે અને શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવશે.
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ભારત આજે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વિશ્વની એક મોટી શક્તિ બની રહ્યું છે અને આ ભારતનો ‘નિર્ણાયક દાયકો’ છે.
કચ્છના મુંદ્રામાં આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ રૂ.૧.૫૦ લાખ કરોડનું મૂડી રોકાણ કરશેઃ કરણ અદાણી
અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના એમ.ડી. કરણ અદાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ભારત સતત આગળ વધી રહ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ કચ્છ સૌથી મોટું એનર્જી હબ બન્યું છે. અદાણી ગ્રુપ માટે મુંદ્રા કર્મભૂમિ છે. તેમજ સોલાર મેન્યુફેક્ચરિંગ માટે મુંદ્રા મહત્વનું સેન્ટર બન્યું છે. અદાણી ગ્રુપ વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક મુદ્રા ખાતે બનાવી રહ્યો છે, જે ૩૭ ગીગા બાઈટનો એનર્જી પાર્ક બનશે. તેમણે ઉમેર્યું હતું કે કચ્છના મુંદ્રા ખાતે આગામી પાંચ વર્ષ દરમિયાન અદાણી ગ્રુપ દ્વારા રૂપિયા ૧.૫૦ લાખ કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના સપનાને આ ગ્રુપ સાકાર કરવા માટે સતત તેમના પડખે રહેશે.
જ્યોતિ CNC મેન્યુફેક્ચરિંગ, આર.એન્ડ ડી. અમે સ્કીલ ક્ષેત્રે ૧૦ હજાર કરોડનું રોકાણ કરશે: પરાક્રમસિંહ જાડેજા
જ્યોતિ સી.એન.સી.ના ચેરમેન પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટની ધરા ઉપર યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વડાપ્રધાનના વિકસિત ભારત ૨૦૪૭ના સપનાને સાકાર કરતી સમિટ છે. વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બન્યું છે. આ કોઈ બિઝનેસ કોન્ફરન્સ નહીં પરંતુ વિકસિત ભારતનું વિઝન હવે પ્રદેશ, જિલ્લા, સ્થાનિક ઔદ્યોગિક ઇકો સિસ્ટમ સુધી પહોંચી રહ્યું હોવાનો સ્પષ્ટ સંકેત છે. વિશ્વમાં આજે અસ્થિર માહોલ વચ્ચે પણ ભારત દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મક્કમ અને સ્થિર બનીને ઊભું છે અને આગળ વધી રહ્યો છે. અમારો ધ્યયે ખૂબ જ સ્પષ્ટ છે કે મેન્યુફેક્ચરિંગ માત્ર બિઝનેસ નથી, અમારી જવાબદારી છે. અમારી કંપની આગામી પાંચ વર્ષમાં રૂ. ૧૦ હજાર કરોડનું રોકાણ કરશે. એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરને પણ મશીનરી પૂરી પાડવા માટે જ્યોતિ સી.એન.સી. તત્પર છે. આત્મનિર્ભર ભારત માટે આપણે સૌ સાથે મળી આ ઉમદા કાર્યને આગળ વધારવાની ઝુંબેશ ચલાવીશું.
રૂ. ૫૦૦૦ કરોડના ખર્ચે વિશ્વનો સૌથો મોટો પાઈપલાઇન પ્લાન્ટ સ્થાપવા વેલસ્પનના ચેરમેન બી. કે. ગોએન્કાની જાહેરાત
વેલસ્પન કંપનીના ચેરમેન બી. કે. ગોએન્કાએ ગૌરવભેર જણાવ્યું હતું કે, કચ્છ અમારી જન્મભૂમિ છે એક સમયે સૌરાષ્ટ્ર- કચ્છમાં સૌથી મોટી પાણીની સમસ્યા હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં સૌરાષ્ટ્ર કચ્છની કાયાપલટ થઈ છે. આજે સૌરાષ્ટ્ર કચ્છ રિફાઇનરી પોર્ટ અને સીરામીક માટે જાણીતું બન્યું છે. આ ક્ષેત્રનો વિકાસ છેલ્લા ૨૦ વર્ષમાં થયો છે, જેનો શ્રેય હું દેશના પ્રધાનમંત્રીને આપું છું
તેમણે ઉમેર્યું હતું કે, ‘આજે વેલસ્પન એક લાખ થી વધુ લોકોને રોજગારી આપે છે. તેમણે ૨૦૦૩ના વાઇબ્રન્ટ સમિટને યાદ કરતા જણાવ્યું હતું કે, તે સમયે હું વાપીમાં પ્લાન્ટ કરવાનો હતો પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મને એવું કહ્યું હતું કે આપ આપનો પ્લાન્ટ કચ્છમાં નાખશો, તો આપને એક રૂપિયાના રોકાણ સામે એક ડોલર વળતર મળશે. જે વાત આજે સાચા અર્થમાં સાર્થક થઈ છે. અમારી કંપની આગામી સમયમાં વિશ્વની સૌથી મોટી પાઈપ પ્લાન્ટનું ઉત્પાદન કરવા માટે રૂ. ૫૦૦૦ કરોડનું રોકાણ ગુજરાતમાં કરશે.
