ખેતરોમાંથી પસાર થતી વિજ લાઈનોને અટકાવવા મેદાને પડેલા તકસાધુઓને ઓળખો, ખેડૂતોના હિતેચ્છુ કે પછી…??

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ભુજ :

ગુજરાતમાં ખેતરોમાંથી વીજ લાઈન પસાર કરી વિવિધ ઉર્જા સ્ત્રોતો મારફતે ગુજરાતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર અને કરાર કરેલ કંપનીઓ કામે લાગી છે ત્યારે કેટલાક નવા નેતા બનવાની લ્હાયમાં આંદોલનો શરૂ થયા છે. આ આંદોલન ખેડૂતોના હિતમાં…? કે પછી તકસાધુ, નવા નેતા બની ખેડૂતોના મસીહા થઈ જગ જાહેર થવા? આ બંને બાબત લોકોએ વિચારવી જોઈએ.

https://www.facebook.com/share/v/1DReJ3VdvZ/

તાજેતરમાં જ કચ્છમાં સરકારી તથા ખાનગી ઉદ્યોગ ગૃહો દ્વારા ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યો સુધી વીજળી પહોંચાડવા ટ્રાન્સમિશન લાઈનની કામગીરી શરૂ કરાયેલ છે. જે અવિરત ચાલવાની છે. એ જગજાહેર છે. ભચાઉના અને ભુજ કે મુન્દ્રા તાલુકાના કેટલાક ગામોમાં દિવસો સુધી ધરણા, રસ્તા રોકો સહિતનો કિસાનો અને ગ્રામજનોનો વિરોધ ઉભો થયાં બાદ એક તબક્કે પાવર લાઇન્સ અને ટાવર નાખવાનું કામ અટક્યું હતું. પરંતુ ટ્રાન્સમિશન કંપનીઓ સરકારી ધારા ધોરણોને અનુસરીને કામગીરી કરતી હોવાથી એ કામ ફરી શરુ થયું છે.

એક વાત સ્પષ્ટ સમજવી જરૂરી છે કે, છેવાડાના માણસ સુધી વિકાસ પહોંચાડવા સરકાર પણ ખાનગી કંપનીઓના સથવારે ઝડપી અમલીકરણ શક્ય બનાવે છે, પરિણામે લોકોપયોગી પ્રોજેક્ટ સમયસર સાકાર થાય છે. પાવરલાઈનની વીજળી માત્ર ઉદ્યોગો નથી વાપરવાના, ગ્રીડમાં સરકારના વીજ તંત્ર સુધી જ પહોંચે અને પછી ભેદભાવ વિના તમામ દેશવાસી સુધી જરૂરિયાત મુજબ મળશે. સરવાળે માત્ર ખાનગી કંપની નહિ પણ ખેડૂતો અને ગ્રામીણ લોકોને પણ ફાયદો જ છે. કચ્છમાં ઉદ્યોગીકરણના લીધે રોજગારી અને સ્થાનિક ધંધાની સંખ્યાબંધ તકો મળી છે.

વિવિધ કંપનીઓ અત્યારે સૌર ઉર્જા ઉત્પન્ન કરીને દેશના વિકાસમાં સહભાગી થઇ રહી છે. તેનો લાભ કચ્છ, ગુજરાત અને અન્ય રાજ્યોને પણ થવાનો છે. કુદરતી રીતે વીજળી ઉત્પન્ન થતા આગામી સમયમાં વીજળીનો પૂરતો પુરવઠો ખેડૂતોના ખેતરે-ખેતરે પહોંચશે. એક સમયે માત્ર 8 કલાક થ્રી ફેઝ વીજળી મળતી હતી, હવે પવન ઉર્જા કે સૂર્ય ઉર્જાના લીધે કુદરતી ઉત્પાદનના સ્ત્રોત વધી ગયા અને કિસાનોને પૂરતી વીજળી ઉપલબ્ધ બની છે. થર્મલ પાવર થકી ઉત્તપન્ન થતી વીજળી પર્યાવરણનો વિનાશ કરે છે અને અત્યંત મોંઘી પડે છે ત્યારે પર્યાવરણનું સંરક્ષણ કરતી સૌર કે પવન ઊર્જા જેવી પદ્ધતિએ મળતી ઊર્જા ખૂબ વ્યાજબી કિંમતે મળવાની છે.

અરે, કચ્છ તો બગાયતી ખેતી માટે રાજ્યમાં અવ્વલ બન્યું છે ત્યારે કોઈ સ્વાર્થી નેતાઓના પગલે ટ્રાન્સમિશન લાઈનનો વિરોધ કરીને પોતાની જમીન માટે પગે કુહાડો મારવા સમાન છે. એ ઉલ્લેખનીય છે કે, જેટકો જેવી સરકારી સંસ્થાઓ દ્વારા આવી કામગીરી થાય ત્યારે આ લાલચુ નેતાઓ ક્યાં હોય છે? જ્યારે ખાનગી કંપનીઓ કામ હાથ ધરે ત્યારે જ આ નેતાઓ કેમ ખેડૂતોને ભડકાવે છે? આશ્ચર્યની વાતતો એ છે કે, આવા વિરોધ પ્રદર્શનમાં જેમની જમીનમાંથી લાઈન પસાર થતી હોય તેવા ખેડુતોની તો ખૂબ અલ્પ હાજરી હોય છે. જ્યારે બીજા લેભાગુ લોકો આવા સ્વાર્થી પ્રદર્શનકારોની સાથે જોડાઈ જાય છે. વળી ટ્રાન્સમિશન લાઇન્સ તો અમુક જ સરકારી કે ખેડુતોની જમીનમાંથી પસાર થાય છે. પરંતુ તેનો લાભ સમગ્ર દેશવાસીઓને થાય છે. ખેડૂતોના નામે આ કામનો વિરોધ કરનારાઓ દેશહિતમાં થઈ રહેલા કામને અવરોધી નુકશાન પહોંચાડે છે. ખેડૂતોના હિતના નામે સમગ્ર દેશની જનતાને ફાયદો થશે તેનો વિરોધ કરવાનો અધિકાર તેમને કોણે આપ્યો? અને જો આવા સામુહિક વિકાસનો વિરોધ કરવો હોય તો આવા નેતાઓ અને રૂમે જુમે આવેલા વિરોધી તત્વો પહેલાં પોતાના ઘરના વીજ કનેકશનો પરત કરીને પછી નેતાગીરી માટે આગળ આવવું જોઇએ.

ખેડૂતો કે સ્થાનિક ગ્રામજનો દ્વારા કોઈ નેતાઓના ચઢાવે વિરોધ કરવો વાંજીયો સાબિત થઇ શકે છે કારણ કે, ટ્રાન્સમિશન લાઈન નાખતી કંપનીઓ જમીનોનું જે વળતર ચુકવે છે. તે પ્રવર્તમાન નિયમો મુજબ સરકાર જ નક્કી કરતી હોય છે. પરિણામે બની બેઠેલા લોકનેતાઓની બૂમરાણની અસર લાંબે ગાળે નુકસાનકારક સાબિત થાય છે.

આ એ જ સરકાર છે કે, જેના દ્વારા જ્યોતિગ્રામ યોજનાથી ખેડૂતોના અંધારા દૂર થયાં હતા. હવે ઉદ્યોગો અને સરકાર સાથે મળીને ધરતીપુત્રોને ઉર્જાવાન બનાવી રહી છે. તેવા સમયે વિરોધ એટલે અંધકાર અને સમાજ ઉપયોગી અને દેશ માટે વીજળી પેદા કરવાના નવા સોપાનને સહયોગ એટલે વિકાસના સતત ખુલતા દ્વાર એ જ અત્યારે સમજવાનો સમય છે.

  • તમારો અભિપ્રાય લિંકમાં આપેલ વીડિયોની કૉમેન્ટમાં જણાવશો.