‘વડીલ વાત્સલ્યધામ’માં ગત 7 વર્ષમાં સ્વર્ગવાસ પામેલ વડીલોના મોક્ષાર્થે”શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ”નું આયોજન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

‘વડીલ વાત્સલ્યધામ’માં ગત 7 વર્ષમાં સ્વર્ગવાસ પામેલ સંસ્થામાં નિવાસ કરતા હતા તેવા 27 વડીલોના મોક્ષાર્થે”શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માહિતી આપવામાં આવી હતી.

તપોવન ફાઉન્ડેશન દ્વારા છ વર્ષની સફળ સેવાયાત્રા પૂર્ણ કરી 8મા વર્ષમાં માનવતા, સંવેદના અને સેવાના મહાપર્વ તરીકે માનવામાં આવી રહી છે. “વય વંદના”ના પવિત્ર ભાવ સાથે 27 જુલાઈ 2018ના રોજ જામનગર ની પવિત્ર ભૂમિ પર સેવાનું જે પ્રથમ ડગલું માંડ્યું હતું, તે આજે એક વટવૃષ બને તે દિશામાં પ્રયાસો ની હારમાળા માં તપોવન ફાઉન્ડેશન સંચાલિત “માતૃશ્રી ઈચ્છાગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્યધામ” સાત વર્ષની સફરમાં અનેક પરિવારો માટે આશાનું કિરણ સાબિત થયું છે. ફાઉન્ડર રાજેનભાઈ જાની, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પરેશભાઈ જાની અને અસંખ્ય કાર્યકર્તાઓના સહયોગથી આ સંસ્થા આજે સામાજિક સમભાવનું પ્રતિક બની છે.

  •  નિઃસ્વાર્થ વય વંદના: જ્ઞાતિ-જાતિના ભેવભાવ વગર, જે વડીલો પાસે સંતાનનું સુખ નથી, તેમના જીવનની સંધ્યાને ભક્તિ અને સન્માનથી પ્રકાશિત કરવામાં આવી છે.
  • કન્યાદાનનો મહિમા: અત્યાર સુધીમાં ૧૬ દિકરીઓના ૨૦૨૨-૨૦૨૪ બે વખત જાજરમાન સમૂહ લગ્ન યોજીને સાબિત કર્યુ છે કે દરેક દીકરી સમાજની લાડકી છે.
  • શ્રદ્ધાની સરવાણી: વડીલોને હવાઈ મુસાફરી દ્વારા ગોકુલ- મથુરા-હરિદ્વાર અને એ.સી. બસ દ્વારા શ્રીનાથજી-અંબાજીની યાત્રા કરાવી ધન્યતા અનુભવી છે.
  • આરોગ્ય અને સ્વાસ્થ્ય સેવા: કોરોના કાળમાં જોખમ ખેડીને ઉત્તરક્રિયા કરાવનાર જામનગર ના ૧૬૫ ભૂદેવોનું “કોરોના વોરિયર” તરીકે સન્માન કરવામાં આવ્યું. સાથે જ, રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર નિદાન કેમ્પ યોજી જરુરિયાતમંદોને નિઃશુલ્ક સારવાર પૂરી પાડી છે.

એક પવિત્ર ઋણ અને મોક્ષનો સંકલ્પઃ ગત છ વર્ષમાં સંસ્થામાં નિવાસ કરતા 27 વડીલો દેવલોક પામ્યા છે. જેમના મોક્ષ માટે વિધિ કરનાર કોઈ પરિવારજન નથી, તેવા વડીલોના “પરિવાર” બની તપોવન ફાઉન્ડેશન દ્વારા આગામી 26 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન શ્રીમદ્ ભાવગત સપ્તાહનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના વક્તા શ્યામભાઈ ઠાકરની વાણીમાં વહેતી સંગીતમય કથા તથા હિરેનભાઈ ત્રિવેદી ના આચાર્ય પદે 31 ભૂદેવો સાથે શ્રીમદ્ ભાવગતનું સંસ્કૃતમાં મૂળ પારાયણનું પઠન મૃતાત્માઓ માટે મોક્ષનું દ્વાર બનશે.

કથા દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરી અને દીકરાના લગ્ન પ્રસંગને “રૂક્ષ્મણી વિવાહ” તરીકે ઉજવવામાં આવશે. આ પ્રસંગે ભાગવત સપ્તાહના દરેક શ્રોતા માતા-પિતા બની નવદંપતીને આશીર્વાદ આપશે, જેથી કોઇ બાળક પોતાની જાતને “અનાથ”ન અનુભવે.

ભવિષ્યના ભગીરથ સંકલ્પો અંગે પત્રકાર પરિષદ દરમ્યાન માહિતી આપતા ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, સાત વર્ષની સફળતા બાદ સંસ્થા હવે નવા લક્ષ્યાંકો તરફ આગળ વધી રહી છે. આગામી સમયમાં નિઃશુલ્ક દ્વારકા યાત્રા: પુરષોત્તમ માસમાં 1008 બહેનો માટે ભોજન-નાસ્તા સાથેની સંપૂર્ણ નિઃશુલ્ક યાત્રા કરાવવામાં આવશે. આ ઉપરાંત 108 સમૂહ લગ્નોત્સવઃ 14 માર્ચ 2027 ના રોજ 108 જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવી 108 પરિવારોમાં ખુશી લાવવાનો સંકલ્પ પણ કરાયો છે.

તપોવન ફાઉનડેશન જામનગરની પુણ્યશાળી જનતાને આવાહન કરે છે કે, આ માનવતાના મહાકુંભમાં આપ સૌ તન, મન અને ધનથી સહભાગી બનો. આપનો સહકાર જ આ સેવાકાર્યોની તાકાત છે. આવો, સાથે મળીને નવદંપતીને આશિર્વાદ આપીએ અને દિવંગત વડીલોના મોક્ષના સાક્ષી બનીએ. તેવી આગ્રહભરી વિનંતી સાથે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.