ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામનગર કાલાવડ હાઈવે પર આવેલા તપોવન ફાઉન્ડેશન, વીજરખી, જામનગર ખાતે “માતુશ્રી ઇચ્છાગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્યધામ” માં રહેતા ગત ૭ વર્ષમાં સ્વર્ગવાસ થયેલ ૨૭ વડીલો ના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથા અને ૨૭ મૂળ શ્રીમદ્ ભાગવત પારાયણ નો પ્રારંભ થયો છે. આ કથા “વર્લ્ડ રેકોર્ડ” પ્રકારની છે કારણ કે, અહીં સ્વર્ગવાસી થઇ ગયા હોવા છતા તપોવન વૃદ્ધાશ્રમ પોતાના વડીલોને યાદ કરીને તર્પણ રૂપે લાગણીસભર, કરુણાપૂર્ણ શ્રીમદ્ ભાગવત સપ્તાહ બેસાડે છે. જે ખરેખર અભૂતપૂર્વ પ્રસંગ ગણાય.
૨૬ જાન્યુઆરી,૨૦૨૬ના પોરબંદર સ્થિત સાંદિપની આશ્રમના ભાગવત કથાકાર શ્યામભાઈ ઠાકરના વ્યાસાસને જામનગરના ભાગોળે આવેલા વડીલ વાત્સલ્યધામ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનો શુભારંભ થયો છે.
દેવસ્થાપન-પૂજન અને દિવ્ય શોભાયાત્રા સાથે વિશાળ મંડપમાં ભાગવતજી પધાર્યા.
તપોવન ફાઉન્ડેશનના રાજેનભાઇ જાની, શ્રીમતી વસુબેન ત્રિવેદી તથા પરેશભાઈ જાની દ્વારા સ્વાગત પ્રવચન અને કથા શ્રવણ સાથે ભોજન પ્રસાદ લેવાની સૌને ખાસ અપીલ કરવામાં આવી. તે બાદ દિવ્ય વાતાવરણ માં ભાગવત કથા નો મંગલ પ્રારંભ થયો હતો. કથાના અંતે તપોવન ફાઉન્ડેશન દ્વારા પધારેલા મહાનુભાવોનું સન્માન અને ભાગવતજીની આરતી સાથે પ્રથમ દિવસે કથા વિરામ કરવામાં આવી હતી.
