પ્રેમ લગ્ન બાદ બેનની સામે જ બનેવીના ઘરમાં ઘૂસી મારી નાખનાર સાળો અને તેનો મિત્ર ઝડપાયો

ક્રાઈમ સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારની વંડાફળી સ્થિત આદિનાથ એવેન્યુમાં પ્રેમ લગ્નને લઈ ઊભી થયેલી રંજિશના કારણે બનેવી નિલય કુંડલિયાની બહેનની નજર સામે નિર્મમ હત્યા કરનાર સાળા મનીષ જેરામભાઈ મોરી અને તેના મિત્ર સોહિલ સલીમભાઈ સોઢાને પોલીસે ઝડપી લીધા છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

વસંત પંચમી જેવા પવિત્ર દિવસે ધોળે દહાડે થયેલી આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી હતી. પ્રેમ સંબંધને લઈ થયેલા મનદુઃખના કારણે હત્યા થયાનો આક્ષેપ છે. મૃતકના સાળા અને તેના મિત્રે છરી વડે ઉપરાછાપરી ઘા મારી આ હત્યાને અંજામ આપ્યો હતો.

પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે ફલેટ નં. 502માં રહેતા નિલય અશોકભાઈ કુંડલિયા પર સવારે સાડા દસથી પોણા અગિયાર વાગ્યાની આસપાસ હુમલો થયો હતો. હુમલાખોરોએ ઘરમાં ઘૂસી નિલય પર છરીથી વારંવાર ઘા ઝીંક્યા, જેના કારણે તે લોહી લુહાણ હાલતમાં જમીન પર પડી ગયો હતો.

ઘટનાના સમયે ઘરમાં હાજર રહેલી તેની પત્નીએ બચાવ માટે બૂમાબૂમ કરી હતી અને પોતે પણ લોહીથી ખરડાઈ ગઈ હતી. પાડોશીઓ તરત એકત્ર થયા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી. ઘાયલ નિલયને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ સીટી એ ડિવિઝનના પી.આઈ. નિકુંજ ચાવડા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને વિસ્તારને કોર્ડન કર્યો. જાણવા મળ્યું હતું કે નિલયે સાત મહિના પહેલા પૂજા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે તેના પરિવારને મંજૂર ન હતા. બહેનને પરત લાવવા આવેલા ભાઈ અને તેના મિત્રે પૂજાના ઇનકાર બાદ નિલય પર હુમલો કર્યો હતો.

પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઝડપી કાર્યવાહી હાથ ધરી અને ગણતરીની કલાકોમાં જ જામકંડોરણા નજીક સાતોદડ ગામની સીમમાંથી બંને આરોપીઓને ધરપકડ કર્યા હતા. બાદમાં કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેમાં જજએ 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.