SIR ના છબરડાને લઈને વિક્રમ માડમ વિફર્યા, “તમે જનતાના નોકર છો, માલિક નહીં”

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અને દિગ્ગજ નેતા વિક્રમ માડમે મતદાર યાદીમાં નામ કમી કરવા અને અન્ય ગેરરીતિઓ મુદ્દે ભાજપ સરકાર તેમજ સરકારી અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કલેકટર કચેરીએ નાયબ કલેકટર સમક્ષ આ અંગે રજૂઆત કરતા આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર લોકોના મતાધિકાર છીનવીને લોકશાહીનું ગળું ટૂંપી રહી છે.

વિક્રમ માડમનું નિવેદન…

કોંગ્રેસે કરી રજૂઆત… (ફોટો : હિરેન ગાંધી)

નકલી અરજીઓનો પર્દાફાશ: વિક્રમ માડમે જણાવ્યું કે, જે લોકોના નામે મતદાર યાદીમાંથી નામ કાઢવાની અરજીઓ થઈ હતી, તેમાંથી 5 લોકોએ નોટરી કરાવીને લેખિતમાં આપ્યું છે કે તેમણે આવી કોઈ અરજી કરી જ નથી. આ એક મોટું કૌભાંડ હોવાનું તેમણે જણાવ્યું છે.

અધિકારીઓને ચેતવણી: તેમણે સરકારી અધિકારીઓને આડેહાથ લેતા કહ્યું કે, “તમે સરકારના હાથા ન બનો. તમે જનતાના પૈસાનો પગાર લો છો, એટલે તમે જનતાના નોકર છો, સાહેબો કે માલિકો નથી. જો તમે આ પાપમાં ભાગીદાર થશો, તો ભવિષ્યમાં તમારે ગંભીર પરિણામો ભોગવવા પડશે.”

ભાજપ પર પ્રહાર: તેમણે ભાજપને આડેહાથ લેતા કહ્યું કે જો તેઓ મતદારોથી ડરતા હોય તો રશિયા અને ચીન જેવી ચૂંટણી પદ્ધતિ અપનાવી લેવી જોઈએ, જ્યાં વિરોધ પક્ષ જ ન હોય.

કાયદેસરની કાર્યવાહી: વિક્રમ માડમે સ્પષ્ટ કર્યું છે કે આ બાબતે તેઓ ચૂપ નહીં બેસે. જે લોકોએ આ નકલી અરજીઓ કરી છે અને જે અધિકારીઓ તેમાં સામેલ છે, તેમની સામે FIR કરવામાં આવશે અને કોર્ટમાં કાયદેસરની લડાઈ લડવામાં આવશે.

“લોકશાહી બચાવવા માટે કોંગ્રેસ પૂરી તાકાતથી લડશે અને અન્યાય સામે અવાજ ઉઠાવતી રહેશે.” તેમ વિક્રમ માડમે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું.

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એસ.આઈ.આર. ની કામગીરી દરમિયાન ફોર્મ નંબર -૭ ના પ્રશ્ને વાંધા સહિત રજુઆત કરાઈ છે.

આ 5 લોકોએ કહ્યું કે, અમે કોઈની સામે વાંધા લીધા નથી…!! છતાં તમારા નામે વાંધા કેમ…?

1 યોગેશ જેનતીભાઈ ગોદડીયા 

2 હિરેન હેમંતભાઈ બધા

3 ગોસ્વામી ભાવીકગીરી ગીરીશ ગીરી 

4 સતીષભાઈ ભાવીન નંદા 

5 વિકાસ રમેશભાઈ ગોદડીયા

આ કામગીરીમાં ચોક્કસ કોમના લોકોના નામો કમી કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે, જેનો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા વગેરે ની આગેવાનીમાં જામનગર શહેર જિલ્લાના કોંગ્રેસના આગેવાનો, કોંગી કોર્પોરેટર, તથા કાર્યકરો વગેરે બહોળી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી જઈ વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે, અને ઉગ્ર રજૂઆત કરી છે.