પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં ગુજરાતે શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ મેળવ્યો

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી :

ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગની દેશ કક્ષાએ નામના વધી છે. “ઇન્ડિયા એનીમલ હેલ્થ એવોર્ડસ-૨૦૨૨” માં “પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં શ્રેષ્ઠ રાજ્ય”નો એવોર્ડ ગુજરાત રાજ્યે દિલ્હી ખાતેના સમારોહમાં મેળવ્યો છે.

તા. ૬-૭ જુલાઈ, ૨૦૨૨ ના રોજ નવી દિલ્લી ખાતે ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ અને એગ્રીકલ્ચર તેમજ એગ્રીકલ્ચર ટુડે ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અને પશુપાલન અને ડેરી વિભાગ, ભારત સરકારના સહયોગ દ્વારા “ઇન્ડિયા એનિમલ હેલ્થ સમીટ-૨૦૨૨” નું આયોજન થયેલ. આ સમીટમાં ભારત સરકારના અધિકારીઓને સમાવી લઈ, રચાયેલ તજજ્ઞોની સમિતિ (જ્યુરી) દ્વારા “પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં શ્રેષ્ઠ રાજ્ય” (Best State in AH Infrastructure) ના એવોર્ડ માટે ગુજરાત રાજ્યની પસંદગી કરવામાં આવી. તા. ૦૭.૦૭.૨૦૨૨ ના રોજ ડૉ. એસ.પી. સિંઘ બઘેલ, માન. રાજ્યકક્ષા મંત્રી, કાયદો અને ન્યાય ભારત સરકાર તેમજ સચિવ, પશુપાલન અને ડેરી વિભાગ ભારત સરકારની ઉપસ્થિતિમાં યોજાયેલ એવોર્ડ વિતરણ સમારોહમાં રાજ્યના પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની એસ. ઠાકરે રાજ્ય સરકાર વતી ગુજરાત રાજ્યના માન. રાજ્યપાલના વરદ હસ્તે આ એવોર્ડ સ્વીકારેલ.

ગુજરાત રાજ્યએ ખાસ કરીને છેલ્લા બે દાયકા દરમિયાન પશુ આરોગ્ય અને સંવર્ધન સેવાઓ માટે માળખાકીય સુવિધાઓના વિસ્તરણ અને મજબૂતીકરણ દ્વારા પશુપાલન ક્ષેત્રના સર્વાંગી વિકાસમાં સમગ્ર દેશમાં ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી છે.

ગુજરાતમાં અસરકારક પશુ સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર પાસે ૭૦૨ પશુ દવાખાના, ૩૪ વેટરનરી પોલીક્લીનિક, ૪૫ ફરતાં પશુ દવાખાના, ૧૮ પશુ રોગ અન્વેષણ એકમની સુવિધા તેમજ મોબાઈલ ડિસીઝ ડાયગ્નોસ્ટિક લેબની સુવિધા પણ ઉપલબ્ધ છે, સાથોસાથ ગ્રામ્ય કક્ષાના ૫૫૨ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો પણ રાજ્યમાં કાર્યરત છે.

રાજ્ય સરકારે રાજ્યના ૫૩૦૦ થી વધુ ગામડાઓમાં પશુધન માલિકોને ઘરઆંગણે વિનામૂલ્યે પશુ ચિકિત્સા સેવાઓ પુરી પાડવા માટે પી.પી.પી. મોડ પર ૪૬૦ ફરતાં પશુ દવાખાના કાર્યરત કર્યા છે. આ પશુ દવાખાનાના વાહનો જીપીએસ સુવિધાથી સજ્જ છે તેની કામગીરીનું માન. મુખ્યમંત્રીના ડેશબોર્ડના માધ્યમથી મોનીટરીંગ કરી શકાય છે.

રાજ્યમાં વર્ષ ૨૦૧૭-૧૮ થી માલિક વિહોણા, ઘાયલ અને અબોલ પશુઓની તાત્કાલિક સારવાર માટે રાજ્યના શહેરી વિસ્તારમાં પશુ સારવાર માટેના આધુનિક સાધનોથી સજ્જ ૩૭ “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨” ની સેવાઓ રાજ્યમાં ઉપલબ્ધ છે. વધુમાં, રાજ્યના વિવિધ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો હેઠળ ૯૯૦ પશુ ચિકિત્સકો દ્વારા જે-તે દૂધ સંઘના સભાસદોને પશુ સારવાર પુરી પાડવામાં આવી રહી છે.

ગુજરાતમાં ગાય-ભેંસોની ગુણવત્તાયુક્ત સંવર્ધન સેવાઓ સુનિશ્ચિત કરવા માટે ગુજરાતમાં ૦૪ અધિકૃત કૃત્રિમ બીજદાન તાલીમ સંસ્થાઓ અને ૯૦૭૨ કૃત્રિમ બીજદાન કેન્દ્રોનું રાજ્યવ્યાપી નેટવર્ક ઉપલબ્ધ છે. રાજ્યમાં ભારત સરકાર દ્વારા અધિકૃતતા ધરાવતા ઉત્કૃષ્ટ માળખાકીય સુવિધાઓ સાથેના ૦૬ ફ્રોઝન સીમેન સ્ટેશનો (FSS) કાર્યરત છે. જે માત્ર રાજ્યમાં જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોને પણ પૂરતા પ્રમાણમાં સીમેન ડોઝના સતત પુરવઠો જાળવી રાખવા માટે સક્ષમ છે.

વર્ષ ૨૦૨૦-૨૧ માં, દેશમાં ઉત્પાદિત ૧૨૨૦.૮૧ લાખ ફ્રોઝન સીમેન ડોઝમાંથી, ગુજરાતમાં ૨૬૬.૩૭ લાખ (૨૨%) ફ્રોઝન સીમેન ડોઝનું ઉત્પાદન ગુજરાત રાજ્યમાં થયું હતું. તેવી જ રીતે, વર્ષ ૨૦૨૦-૨૧ માં ભારતમાં ૩૦% કવરેજ સાથે કુલ ૭૮૪.૬૪ લાખ કૃત્રિમ બીજદાન થયેલ, જે પૈકી ગુજરાત રાજ્યે ૮૮.૩૫ લાખ કૃત્રિમ બીજદાન સાથે ૪૨% કવરેજની સિદ્ધિ હાંસલ કરેલ છે.

એમ્બ્રીયો ટ્રાન્સફર, ઈલેક્ટ્રોનિક આઈડેન્ટિફિકેશન અને સેક્સ સોર્ટેડ સીમેન જેવી પશુ સંવર્ધન માટેની આધુનિક ટેકનોલોજીના ફળદાયી પરિણામો પણ રાજ્યના પશુપાલકોને હાલમાં મળી રહેલ છે.

રાજ્યમાં વ્યાપક પશુ આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓ થકી પશુઓમાં થતાં ચેપી રોગચાળામાં નોંધપાત્ર ઘટાડો થવાથી અને પશુ સંવર્ધનની અદ્યતન ટેકનોલોજીને પશુપાલકો સુધી પહોચાડવાના રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને કારણે રાજ્યના પશુઓની ઉત્પાદકતાની સાથે સાથે પશુ પેદાશોના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેની સમગ્ર દેશ કક્ષાએ નોંધ લઈ, “ઇન્ડિયા એનિમલ હેલ્થ સમીટ-૨૦૨૨” માં ગુજરાત રાજ્યને “પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં શ્રેષ્ઠ રાજ્ય” (Best State in AH Infrastructure) નો એવોર્ડ એનાયત થયેલ છે.

આ બે દિવસીય સમીટ દરમ્યાન દેશના વિવિધ રાજ્યોના પશુપાલન સંબંધિત સંસ્થાઓના અને ભારત સરકારની વિભિન્ન સંસ્થાઓ/વિભાગોના નીતિ નિર્ધારકો તેમજ વિવિધ સહકારી ડેરી ક્ષેત્રના તેમજ કંપનીઓના પ્રતિનીધીઓની ઉપસ્થિતિમાં પશુપાલન ક્ષેત્રને સ્પર્શતા વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન અને તજજ્ઞો દ્વારા પેનલ ડિસ્કશનનું આયોજન થયેલ. “પશુ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નીતિ અને નિયમનકારી બાબતો” પરની ચર્ચામાં રાજ્યના પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની એસ. ઠાકરે ગુજરાત રાજ્ય દ્વારા અમલમાં મુકાયેલ પશુપાલન ક્ષેત્રની નીતિ અને નિયમો અને તેનાથી થયેલ ફાયદાની વિસ્તૃત છણાવટ કરેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *