કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વિકાસ કામોની સમીક્ષા કરી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા અર્થે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ ઉપસ્થિત અધિકારીઓને હકારાત્મક અભિગમ દાખવી જિલ્લાના વિકાસ કામો સમયમર્યાદામાં પુર્ણ કરવા માટે સૂચનો કર્યા હતા.

મંત્રીએ સૌ અધિકારીઓને જણાવ્યું હતું કે લોકોને કોઈ પ્રકારે સમસ્યા ન પડે અને નાનામાં નાના પ્રશ્નોનું પણ ધ્યાન રાખવામાં આવે તેમજ લોકઉપયોગી તમામ સુવિધાઓ પૂરી પાડવી. મંત્રીએ બેઠકમાં જનતાના પ્રાણ પ્રશ્નો જેવા કે પાણી, વીજળી, માર્ગ, આરોગ્ય સહિતની બાબતોમાં હકારાત્મક વલણ કેળવી આ પ્રશ્નોનો ઉકેલ લાવવા સત્વરે કામગીરી હાથ ધરવા પણ જણાવ્યું હતું અને મુશ્કેલ જણાતા પ્રશ્નો પરત્વે મંત્રીનું અંગત ધ્યાન દોરવા પણ ઉમેર્યું હતું. આ બેઠકમાં મંત્રીએ માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ, બાંધકામ વિભાગ, પીજીવીસીએલ, જેટકો, પાણી પુરવઠા વિભાગ, મહાનગર પાલિકા સહિતના વિભાગોના ઉપસ્થિત અધિકારીઓ સાથે જિલ્લાના વિવિધ કામો અંગેની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.

આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, નિવાસી અધિક કલેકટર મીતેશ પંડયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તનબેન પંડયા, પ્રાંત અધિકારીઓ તેમજ જિલ્લા સંકલન સમિતીના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

1 thought on “કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વિકાસ કામોની સમીક્ષા કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *