લમ્પી વાયરસના નિયંત્રણ અંગે મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સમીક્ષા કરાઈ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

સૌરાષ્ટ્રમાં પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝના કેસો જોવા મળી રહ્યા છે જેને ધ્યાને લઈ આ રોગ પર ત્વરીત નિયંત્રણની કામગીરી હાથ ધરવા રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેટર કચેરી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પશુપાલન નિયામક ડો.ફાલ્ગુનિબેન ઠાકર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ મંત્રીસમક્ષ લમ્પી વાયરસના નિયંત્રણ અંગે થઇ રહેલ કામગીરી અંગેની વિગતો પૂરી પાડી હતી.

બેઠકમાં મંત્રીએ લમ્પી રોગ પર તાત્કાલિક નિયંત્રણ આવે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા અધિકારીઓને તાકીદ કરી હતી તેમજ કેન્દ્ર સરકારની એડવાઈઝરી અનુસાર અસરગ્રસ્ત પશુઓની આસપાસના નિરોગી પશુઓમાં રસીકરણ કરવા, જિલ્લાની તમામ કરુણા એમ્બ્યુલન્સ તેમજ દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાઓને અગ્રિમતાના ધોરણે આ કામગીરીમાં જોડવા, રોગચાળાનો વિસ્તાર વ્યાપ તથા રજૂઆતો ધ્યાને લઈ તાકીદના પગલાં લેવા, પશુઓનું સઘન સર્વેલન્સ, ત્વરિત સારવાર તથા ઝડપી રસીકરણની કામગીરી હાથ ધરવા પણ મંત્રીએ સૂચન કર્યું હતું.

આ બેઠકમાં ગાંધીનગરથી ઉપસ્થિત રહેલ પશુપાલન નિયામક ડો. ફાલ્ગુનિબેન ઠાકરે જણાવ્યું હતું કે લમ્પી વાયરસને નિયંત્રણમાં લાવવા પશુપાલન વિભાગ દ્વારા ખાસ ઝુંબેશના ભાગરૂપે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.તમામ જિલ્લાઓમાં ઉચ્ચ અધિકારીઓની લાઇઝન ઓફિસર તરીકે નિમણૂક કરાઇ છે તેમજ જિલ્લાની 19 પશુ એમ્બ્યુલન્સ તથા પશુ ચિકિત્સકોને આ કામગીરીમાં જોડવામાં આવ્યા છે તથા ઝડપી રસીકરણ માટે વધુ બે લાખ નવા ડોઝની સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર પંડ્યા, જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી તથા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા વગેરેએ પોતાના સુચનો રજૂ કર્યા હતા.

બેઠકમાં દેવભુમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, ઇ. જિલ્લા વિકાસ અધિકારી રાયજાદા, તથા પશુપાલન વિભાગના અધિકારી સી.જી. ચૌધરી, અમિત કાનાણી, પી.એચ સુતરીયા, બી.એલ.ગોહિલ, એ.સી.વિરાણી, મહેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.