જામનગરના સસોઈમાં નર્મદાના નીરની કૃષિમંત્રી સહિતના મહાનુભાવો એ વધામણા કર્યા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે સસોઇ ડેમમાં નર્મદા નદીના નવા નીરનાં વધામણાં કરવામાં આવ્યા હતા. ‘સૌની યોજના લિંક 1’ મારફત મચ્છુ 2 ડેમથી પમ્પીંગ કરીને આજી 3 ડેમ પમ્પીંગ સ્ટેશન, ઊંડ 1 ડેમ પમ્પીંગ સ્ટેશન અને પીપરટોડા પમ્પીંગ સ્ટેશન મારફતે જામનગર- લાલપુર તાલુકામાં સ્થિત સસોઈ ડેમમાં અંદાજિત 100 એમ.સી.એફ.ટી. પાણી ઠાલવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો ઉદ્દેશ છે કે ગુજરાતના દરેક ગામડે ગામડે નર્મદાના નીર પહોંચે. ખેડૂતોની સુખાકારી થકી જ દેશની સુખાકારી- આ જ આપણા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે. આજે સરકાર દ્વારા ‘સૌની યોજના’ અંતર્ગત રૂ. 1200 કરોડથી પણ વધુના ખર્ચે સૌરાષ્ટ્ર- કચ્છના અંતિમ ગામોમાં પણ નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યાં છે. આજે ઉત્તર ગુજરાતમાં પણ ‘સુજલામ સુફલામ યોજના’ થકી નર્મદાનાં નીરનાં વધામણાં કરવામાં આવ્યા છે. જામનગરમાં વર્ષમાં એક વાર જ નહીં, પરંતુ જયારે પણ જરુર પડશે ત્યારે પાણી પહોંચાડવામાં આવશે. દરિયામાં જતાં કિંમતી પાણીને અટકાવવા માટે સૌની યોજના એ આપણા સૌ માટે આશીર્વાદ સમાન છે.

આ કાર્યક્રમમાં જામનગર મેયર બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ  રમેશભાઈ મૂંગરા, શહેર ભાજપ પ્રમુખ  ડો. વિમલભાઈ કગથરા, પ્રદેશ કારોબારી ચેરમેન  ડો. વિનુભાઈ ભંડેરી, જામ્યુકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  કનખરાભાઈ, શાશક પક્ષના નેતા  કુસુમબેન મહેતા, દંડક  કેતનભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ  હસમુખભાઈ ફાચરા, જામનગર મ્યુનિસિપલ કમિશનર  વિજયભાઈ ખરાડી, જાડા પૂર્વ ચેરમેન  દિલીપસિંહ ચુડાસમા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર  હરદયાભાઈ, નાયબ કાર્યપાલક ઈજનેર  આર.જે. અકબરી, મદદનીશ ઈજનેર  આર.બી. નંદાણીયા, સરપંચ  હરેન્દ્દસિંહ, ઉપસરપંચ  ઇંદ્રજીતસિંહ,  કિરીટસિંહ જેઠવા,  મહેન્દ્રસિંહ વાઢેર,  અજીતસિંહ જાડેજા,  રણછોડભાઈ,  નિકુંજસિંહ,  કુલદીપસિંહ, વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.