જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉસ્થિતિમાં તાલુકા- જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શહેરના ટાઉનહોલ ખાતે યોજાયો હતો.

દેશના ભાવી નાગરિકોનું ઘડતર કરવાનું મહામુલું કામ કરતા શિક્ષકો વંદનીય છે તેમ જણાવી કૃષિ મંત્રીરાઘવજીભાઇ પટેલે ઉમેર્યુ હતું કે દેશના શિક્ષકોને ગૌરવ પ્રદાન કરવાના હેતુસર સરકાર દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ભારત દેશ એ ઋષિ અને કૃષિની સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભગવાન રામ, કૃષ્ણ, અર્જુન, એકલવ્ય વગેરેએ ગુરુના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠતમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકારે શિક્ષકોની ભરતીમાં થતા ભ્રષ્ટાચાર અટકાવી, મેરીટ પદ્ધતિ દાખલ કરી ગુણવત્તાવાળા શિક્ષકો સમાજને આપ્યા છે. શિક્ષકો માટે બદલી, સલામતી તેમજ યોગ્ય વેતનની જોગવાઈ કરી શિક્ષણના સ્તરને ઊંચું લાવવા સરકાર સદાય પ્રયાસરત રહી છે. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ, સ્માર્ટ શાળા, આધુનિક વર્ગખંડો વગેરેના માધ્યમથી શિક્ષણ ક્ષેત્રે સરકારે આમૂલ પરિવર્તન આણ્યું છે.

જિલ્લા તથા તાલુકા કક્ષાના આ શ્રેષ્ઠ શિક્ષકોનું કરાયું સન્માન :

બારૈયા દેવાંગીબેન – હડીયાણા કન્યા શાળા, મમતાબેન જોશી-Mમતી યુવ્યાસ કન્યા વિદ્યાલય, અજયકુમાર વીરડા-પ્રાથમિક સી.આર.સી. પીઠડ, કલ્પેશકુમાર ડાંગર-જસાપર પ્રાથમિક શાળા, ભાવેશભાઈ પનારા-નેસડા પ્રાથમિક શાળા, પંકજકુમાર જોશી-ખારવા પ્રાથમિક શાળા

આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજાએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું તેમજ જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટે ઉપસ્થિતોને શાબ્દીક સ્વાગત વડે આવકાર્યા હતા જ્યારે કાર્યક્રમની આભાર વિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.એન.જાડેજાએ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીશભાઈ કનખરા, મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, શાસનાધિકારી ફાલ્ગુનીબેન, પૂર્વ શ્રેષ્ઠ શિક્ષણ સન્માન વિજેતા શિક્ષકો તથા બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો, નગરજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.