રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જી.જી. હોસ્પિટલમાં 4 મહિનાના બાળકની વિનામુલ્યે સર્જરી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામે દરગાહ પાસે રહેતા અને ડ્રાઇવિંગ કરતાં આમદભાઈ સુમારીયાના ઘરે ૧૧ ડિસેમ્બરના રોજ દીકરાનો જન્મ થયો હતો. આહીલનો જન્મ ધ્રોલ સરકારી દવાખાને થયો હતો. તેના પગ જન્મથી જ ત્રાસા (કલ્બ ફૂટ) હતા. પરિણામે તેના પરિવારમાં ચિંતાનો માહોલ હતો. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો.પૂજા વિસોડીયા અને ડો.હાર્દિક રામોલીયા દ્વારા માતા પિતાની મુલાકાત કરી કલ્બ ફૂટ વિષે વિગતવાર માહિતી આપી પરિવારને સાંત્વના આપી હતી.

બાદમાં સંદર્ભ કાર્ડ ભરી તા.૧૨-૧૨-૨૦૨૨ના રોજ જી.જી.હોસ્પિટલ જામનગર ખાતે બાળકને રિફર કરવામાં આવ્યું. હોસ્પિટલમાં બાળકનું ખાસ ધ્યાન રાખી પ્રાથમિક સારવાર કરી દર અઠવાડિયે પગમાં એક પ્લાસ્ટર કરવામાં આવતું. આમ ૭ અઠવાડિયા સુધી પગમાં ૭ પ્લાસ્ટર કરવામાં આવ્યા. ત્યારબાદ ૦૭-૦૨-૨૦૨૩ના રોજ જી.જી.હોસ્પિટલ ખાતે નિષ્ણાત ડોકટરો દ્વારા ખુબજ કુનેહથી બાળકના (ટીનોટોમી) પગની સર્જરી કરવામાં આવી. તેમજ તેને પગમાં પહેરવા માટેના શુઝ પણ આપવામાં આવ્યા છે.

આહિલ હાલ 4 મહિનાનો છે. અને સ્વસ્થ હોવાથી પરિવાર પણ ખુશ છે. આગળ જતા બાળક પોતાના પગ પર ચાલી ચાલી શકશે. એનાથી મોટી ખુશી માતા પિતાને કઈંજ ન હોય.

આ બાળકની સમગ્ર સર્જરી તેમજ સારવાર જેમાં અંદાજે રૂ.૩૫ હજાર જેટલો ખર્ચ થાય તે જી.જી.હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે કરવામાં આવી હતી. જેથી આહિલના માતાપિતાએ ડોકટરો તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.