ચૂંટણી પહેલાં જામનગરની પાંચેય બેઠકોમાં ફરશે “અવસર રથ”, કલેકટરે પ્રસ્થાન કરાવ્યું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજય દ્વારા આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ‘અવસર લોકશાહીનો’ કેમ્પેઈન જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે મતદાન જાગૃતિના ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી તંત્ર જામનગર દ્વારા મિશન-૨૦૨૨ હેઠળ જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ઓછું મતદાન ધરાવતા મતદાન મથક વિસ્તારોમાં ‘અવસર’ રથ ફેરવી મતદાર જાગૃતિ અંગેનો પ્રેરક પ્રયાસ હાથ ધરેલ છે.

જે અવસર રથને આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, જામનગર દ્વારા કલેક્ટર કચેરીના પરિસરમાં લીલી જંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.આ પ્રસંગે નોડલ અધિકારી, અવસર અને નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પના ગઢવી, શહેર પ્રાંત અધિકારી ડી.ડી.શાહ, જિલ્લા પુરવઠા અધિકારી એન.એચ.મકવાણા, ચૂંટણી મામલતદાર એસ.એચ.હાંસલિયા, શહેર મામલતદાર વિ.આર.માંકડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આ અવસર રથ આગામી પ દિવસો સુધી જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં મતદાર જાગૃતિ અંગેનો સંદેશ આપશે તેમજ મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરશે.