જામનગર જિલ્લામાં લમ્પી વાયરસ નાબુદી માટે પશુપાલન વિભાગનું મહારસીકરણ અભિયાન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લાના પશુઓમા જોવા મળી રહેલ લમ્પી રોગને નિયંત્રણમાં લાવવા પશુપાલન વિભાગ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારમાં આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી તમામ અસરગ્રસ્ત પશુઓમાં પુરજોશમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જામનગર શહેરમાં મળી આવેલ તમાંમ 381 પશુઓની સારવાર કરાઇ છે જ્યારે 7,844 પશુઓને લમ્પી વાઇરસ વિરોધી રસીકરણ કરી રક્ષિત કરાયા છે. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકાવાર સ્થિતિ જોઇએ તો જામનગર તાલુકામાં 517 પશુઓની સારવાર કરી 6,146 પશુઓનું રસીકરણ કરાયુ છે જ્યારે જોડિયા તાલુકામાં 160 પશુઓની સારવાર કરી 1,959 પશુઓનું રસીકરણ કરાયુ છે. ધ્રોલ તાલુકામાં 344 પશુઓની સારવાર કરી 2,275 પશુઓનું રસીકરણ કરાયુ છે. જ્યારે જામજોધપુર તાલુકામાં 49 પશુઓની સારવાર કરી 1,479 પશુઓનું રસીકરણ કરાયુ છે. લાલપુર તાલુકામાં 30 પશુઓની સારવાર કરી 1,518 પશુઓનું રસીકરણ કરાયુ છે તેમજ કાલાવડ તાલુકામાં 10 પશુઓની સારવાર કરી 2,940 પશુઓને રસીકરણ કરી સમગ્ર જામનગર જિલ્લામાં કુલ 24,161 પશુઓનું રસીકરણ કરાયુ છે.

જામનગર જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાયોમાં હાલમાં લમ્પી સ્કીન ડીસીઝ (LSD) નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. આ રોગ કેપ્રી પોક્ષ નામના વાઇરસથી થાય છે. જે વાઇરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.

લમ્પી સ્કીન ડીસીઝ (LSD)ના લક્ષણો : રોગના વાઈરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે, રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ ને લીધે આપોઆપ ૨ થી ૩ અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફ્લાવાનો દર માત્ર 10 થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખુબજ ઓછો 1 થી 2 ટકા છે, ખાસ નોંધનીય બાબત એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.

રોગચાળાને કાબુમાં લેવાના પગલાં : આ રોગચાળાને કાબુમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.

આ અંગે જિલ્લા પશુપાલન અધિકારી ડો. અનિલ વિરાણીએ જણાવ્યું છે કે જ્યાં સુધી આ રોગ સંપૂર્ણ કાબુમાં આવે નહી ત્યાં સુધી ઝુંબેશના સ્વરુપે પશુ સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ રહેશે.વધુમાં તમામ પશુપાલકો અને જાગૃત નાગરિકોને અપીલ કરતા જ્ણાવ્યું છે કે આ રોગના લક્ષણો પશુમાં જણાય તો તાત્કાલિક સારવાર માટે 1962 હેલ્પલાઈન કે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા જણાવ્યું છે.