જામનગરમાં વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોમાં અસંતોષની આંધી કોને નડશે..!!!

જાણવા જેવું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન જામનગરમાં પણ થવાનું છે હાલ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે. પરંતુ હજી કોઈ ચૂંટણી લક્ષી માહોલ જામતો નથી. કારણ કે, રાજકીય પક્ષોમાં આંતરિક વિખવાદ અને અસંતોષની આધી અંદરો અંદર ઘુટાઇ રહી છે.

જામનગરમાં આવેલી પાંચ વિધાનસભાની બેઠકોમાં મતો અંકે કરવા રાજકીય પાર્ટીના નેતાઓ અને કાર્યકરો એડી ચોટીનું જોર લગાવવા ક્યાંક ને ક્યાંક કમર કસી રહ્યા છે. પરંતુ કેટલાક એવા નારાજ નેતાઓ અને કાર્યકરો પણ ચૂંટણી પ્રચારમાં અત્યારે તો હોશે હોશે લાગી ગયા છે. પરંતુ સમય વર્તે સાવધાન..ની જેમ થોભો અને રાહ જુઓ.. ની જેમ લડતા નેતાઓને નળવાના મૂળમાં હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે.

જામનગર જિલ્લાની ત્રણ ગ્રામ્ય બેઠકો ઉપરાંત શહેરમાં આવેલી બંને વિધાનસભાની બેઠકોમાં રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ અહીં સાંખ ની લડાઈમાં કાર્યકરોની નારાજગી પણ ક્યાંક ને ક્યાંક નડી શકે છે. બીજી બાજુ જોઈએ તો અમુક સીટના રાજકીય પક્ષના ચૂંટણી કાર્યાલયો પણ લોકોની ઓછી અવર-જવર વાળા નીરસ જોવા મળી રહ્યા છે. ત્યારે લોકોમાં ચોક્કસ નિરુત્સાહ હોય તેવું જોવા મળી રહ્યું છે.

હાલ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ જામ્યો છે. પરંતુ મતદાતાઓમાં ચોક્કસ નિરાશા જોવા મળી રહી છે. બીજી તરફ ટિકિટની લાઈનમાં લાગેલા કેટલાક નેતાઓ ટિકિટ ન મળતા હજી પણ ચોકઠા બાજી ગોઠવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ ચોકઠા બાજી ચૂંટણી લડતાં નેતાઓને પણ ભારે પડી શકે તેમ છે. એક તરફ અંદરો અંદરની ખટપટ અને બીજી તરફ મતો અંગે કરવાની કવાયતમાં લોકો પણ તમાશો જોઈ રહ્યા છે અને પહેલી તારીખની રાહ જોઈ રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણીમાં ઉભેલા રાજકીય પક્ષના નેતાઓએ શાનમાં સમજી જવાની જરૂર છે. અને ભાનમાં આવી અસંતોષ ની આંધી અટકાવવા કવાયત આદરવી જોઈએ નહીંતર પરિણામ પર ચોક્કસ અસર કરી શકે છે. અને જો કસર રહી ગઈ તો પરિણામ પણ ધાર્યા ન હોય તેવા અણજોઈતા અને અણધાર્યા પરિણામો ભોગવવા પડે તો નવાઈ નહીં.