જામનગર મહાનગપાલિકાના કમિશ્નરે 2023-24નું રૂપિયા 1079 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, વધારા સાથે 53 કરોડના કરો સૂચવાયા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ નું રૂપિયા ૧૦૭૯ કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર આજે મ્યુનિ. કમિશનર દ્વારા સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું. ગત્ વર્ષ કરતા બજેટના કદમાં રર૬ કરોડનો વધારો દર્શાવાયો છે. પાણી વેરા, મિલકત વેરા, કન્ઝર્વન્સી એન્ડ સુએરજ ટેક્સ (પ૦ ચો.મી.થી વધુ) માં વધારો સૂચવાયો છે. ઉપરાંત ત્રણ નવા ટેક્સ ઝીંકવામાં આવ્યા છે. નવા કર દર વધારાથી રૂ. પ૩ કરોડની આવક વધશે.

જામનગર મહાનગર પાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડીએ આજે વર્ષ ર૦ર૩-ર૪ નું વાર્ષિક ડ્રાફ્ટ અંદાજપત્ર સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયાને સુપ્રત કર્યું હતું. જેમાં ઉઘડતી પુરાંત ર૭ર.રપ કરોડ, મહેસુલ આવકમાં સ્વભંડોળર આવક રૂપિયા ર૭૪.ર૯ કરોડ, ગ્રાન્ટ આવક રૂપિયા ૯૪.૪૧ કરોડ, કેપિટલ સ્વભંડોળની આવક ૨૮ કરોડ ,કેપિટલ ગ્રાન્ટ આવક રૂપિયા પ૧પ કરોડ, અનામત આવક રૂપિયા ૩૬ કરોડ તથા એડવાન્સ આવક રૂપિયા ૧ કરોડ ૩૦ લાખ મળી કુલ ૯૪૯ કરોડની આવક થતા ઉઘડતી સિલક સહિત કુલ ૧રર૧.રપ કરોડ સામે મહેસુલી ખર્ચમાં સ્વભંડોળ ખર્ચ ૩૩૦.૩૪ કરોડ અને ગ્રાન્ટ ખર્ચ રૂપિયા ૪૯.પ૬ કરોડ, કેપિટલ સ્વભંડોળ ખર્ચ રૂપિયા ર૯.૧૦ કરોડ, કેપિટલ ગ્રાન્ટ ખર્ચ રૂપિયા ૬૪ર કરોડ, અનામત ખર્ચ રૂપિયા ર૭ કરોડ તથા એડવાન્સ ખર્ચ રૂપિયા ૧.૩૦ કરોડ મળી કુલ રૂપિયા ૧૦૭૯ કરોડ ૪૦ લાખના ખર્ચના અંતે બંધ પુરાંત રૂપિયા ૧૪૧.૮પ કરોડ દર્શાવાઈ છે.

ગત્ વર્ષ કરતા બજેટના કદમાં રર૬ કરોડનો વધારો દર્શાવાયો છે. પાણી વેરા, મિલકત વેરા, કન્ઝર્વન્સી એન્ડ સુએરજ ટેક્સ (પ૦ ચો.મી.થી વધુ) માં વધારો સૂચવાયો છે. ઉપરાંત ત્રણ નવા ટેક્સ ઝીંકવામાં આવ્યા છે. નવા કર દર વધારાથી રૂપિયા પ૩ કરોડની આવક વધશે જ્યારે કેટલીક રાહતો પણ આપવામાં આવી છે. ખાસ કરીને લઘુ ઉદ્યોગ (બ્રાસપાર્ટસ-બાંધણી) ને પાંચ ટકા ખાસ રાહત ઉપરાંત અનેક યોજનાઓનો બજેટમાં સમાવેશ કરાયો છે.

પાણી પુરવઠા નલ સે જલ યોજનામાં ૧પ મા નાણાપંચની ગ્રાન્ટ અન્વયે રણજીસાગર ડેમ સ્ટ્રેન્ધનીંગ તથા અપગ્રેડેશનનું કામ આશરે રૂપિયા પાંચ કરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન છે. ઊંડ-૧ ડેમથી પમ્પ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ સુધી ૯૦૦ એમએમ ડાયાની ૪પ કિ.મી., ડીઆઈ કે-૯ પાઈપલાઈન નાંખવાનું કામ આશરે રૂપિયા ૧ર૭ કરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન જાહેર કરાયું છે. આ કામ પૂર્ણ થવાથી ઊંડ-૧ ડેમમાંથી ર૦ એમએલડી વધારાનું પાણી મળી શકશે. આ ઉપરાંત પણ વોટર વર્કસના કામોનું આયોજન દર્શાવાયું છે. અન્ડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર માટે અમૃત ર.૦ અન્વયે પ્રથમ તબક્કામાં (ટ્રેન્સ-૧) માં રાઈટમાં ભૂગર્ભ ગટરના કામો માટે રૂપિયા ૮૯.ર૦ કરોડ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. જે પૈકી હાલ રૂપિયા રર.૪પ કરોડના કામો પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત પણ ભૂગર્ભ ગટરના અનેક વિકાસ કામો કરવા આયોજન જાહેર કરાયું છે. રોડ-રસ્તાના કામો અન્વયે સાંસદ, ધારાસભ્ય, સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી યોજના, લોક ભાગીદારી, નાણાપંચ એરિયા ગ્રાન્ટ અન્વયે રૂપિયા રપ કરોડના ડામર, સીસી રોડ/પેવીંગ બ્લોકના કામો કરવામાં આવશે. આ ઉપરાંત આંતરમાળખાકીય સુવિધાના વિવિધ કામો કરવાનું આયોજન જાહેર થયું છે.

જામનગરમાં કાલાવડ રોડ તથા લાલપુર રોડ ઉપર બે નવા ફાયર સ્ટેશન બનાવાશે. આ માટે રૂપિયા ર૩ કરોડની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. પોલીસ હેડક્વાટર્સ પાછળ ૧ર૦૪૩ ચો.મી. જગ્યામાં રૂ. ર૦.૯ર કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલ બનાવવાનું આયોજન છે. આ અંગેની ગ્રાન્ટ મળ્યેથી કામ શરૃ થશે. શરૃસેક્શન રોડ ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા ૬પ.૮૩ કરોડનો ખર્ચ, પ૪૪ આવાસોનું કામ હાલ પ્રગતિમાં છે. ઉપરાંત અહિં ૭૧ દુકાનો તેમજ ટોપ ફ્લોર ઉપર અદ્યતન લાયબ્રેરીનું આયોજન છે. સાથે મલ્ટી પર્પઝ હોલ અને વોર્ડ ઓફિસ બનાવાશે. સ્વચ્છ ભારત મીશન અન્વયે ૭પ૦ વ્યક્તિગત શૌચાલયો તથા ૧૦ નવા પે એન્ડ યુઝ બનાવવાનું આયોજન છે. લાઈટ શાખાના વિવિધ કામો અંગે આયોજન થયું છે. ખંભાળિયા તથા લાલપુર માર્ગ બે નવા સીવીક સેન્ટરો બનાવવાનું આયોજન છે.

વધતા પ્રદુષણને રોકવા અને શહેરમાં ગ્રીન કવરમાં વધારો થાય તે માટે ઓક્સિજન પાર્ક, બાયો ડાર્વસિટી પાર્ક, ઈકોલોજી પાર્ક હાપા યાર્ડ પાસે અને સોનલનગરમાં રૂપિયા ૩ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન નવી યોજના અન્વયે હર ઘર એક વૃક્ષ યોજના અમલમાં મૂકવામાં આવશે. સેનેટરી લેન્ડ ડ્રીલ સાઈટ વિકસાવવા માટે રૂપિયા ૧૯ કરોડ, ટ્રાન્સફર સ્ટેશન રૂપિયા ૧૫.૭૫ કરોડનો ખર્ચ કરવાનું આયોજન છે. આમ આગામી વર્ષમાં ૬૪૨ કરોડના કામોનું આયોજન છે.

મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળોની સેવા-પૂજા કરનાર વ્યક્તિના ધાર્મિક પરિસરમાં આવેલ રહેણાક મકાનને મિલકત વેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. જામનગર એ બ્રાસપાર્ટસ અને બાંધણીથી ઓળખાતું શહેર છે. આ ઉદ્યોગની મિલકતોને પાંચ ટકા મિલ્કત વેરામાં ખાસ રાહત આપવામાં આવશે. ઉપરાંત સખી મંડળો, સ્વ સહાય જુથની મિલકતોને પણ પાંચ ટકા ખાસ રાહત મળશે. દિવ્યાંગ વાહનધારકોને સો ટકા વાહનકરમાં મુક્તિ અપાશે. (આરટીઓમાં ઈનવેલીડેડ કેરેજ તરીકે નોંધાયેલ) વડીલ સુખાકારી યોજના અન્વયે ૬૦ વર્ષથી વધુ ઉમરના લોકોને એક વર્ષમાં બે વખત નિઃશૂલ્ક મેડિકલ ચેકઅપ કરવામાં આવશે તથા તેમને ઘેર બેઠા પ્રાથમિક આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવશે.

શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં નવીનીકરણ અને વિસ્તૃતિકરણ યોજનાનું આયોજન છે. હયાત શાળામાં સ્માર્ટ કલાસ એક નવી મોડેલ સ્કૂલ તથા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાના વિધાર્થીઓને સિટી બસ મુસાફરીમાં કન્સેસન અપાશે.રહેણાક મકાનમાં સોલાર રૃફ ટોપ લગાવનારને મિલકત વેરામાં વધુ પાંચ ટકા રાહત અપાશે. લાખોટા કોઠા, ભુજીયા કોઠા, રણમલ તળાવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાને વિદ્યાર્થીને શૈક્ષણિક હેતુ માટે ગમે ત્યારે મફત એન્ટ્રી અને તે સિવાયની શાળાના ૧૭ વર્ષ સુધીના વિદ્યાર્થીને વર્ષમાં બે વખત મફત એન્ટ્રી મળશે.

મિલકત વેરામાં વધારો સૂચવાયો છે. ૨૫ ચો.મી. સુધીના પ્લોટમાં ૨૦૦ ના ૩૮૦ સૂચવાયા છે. ૨૫ થી ૩૦ ચો.મી. માટે ૨૫૦ ના બદલે ૪૮૦ તથા ૩૦ થી ૪૦ ચો.મી. ના ૩૦૦ ના બદલે રૂપિયા ૬૪૦ સૂચવાયા છે. તેવી જ રીતે ક્ષેત્રફળ આધારિત મિલકત વેરામાં પણ ભારાંક માં વધારો સૂચવાયો છે. કન્ઝવન્સી અને સૂએઝ ટેકસમાં ૫૦ ચો.મી. થી વધુ હોય તે માટે કર સૂચવાયો છે. તેવી જ રીતે વ્હીકલ ટેકસમાં પણ વધારો સૂચવાયો છે.

પાણીના વેરામાં ફિકસ કનેકશન ચાર્જ હાલ ૧૧૫૦ છે તેના સ્થાને ૧૫૦૦ સૂચવાયા છે. ઉપરાંત મિટર કનેકશનમાં પણ વધારો સૂચવાયો છે. એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ગ્રીનરી ચાર્જ ૨૫ ચો .મી. ના પ્લોટ માટે પ્રતિવર્ષ રૂપિયા ૧૦ ની દરખાસ્ત કરવા માં.આવી છે.જે વધીને ૫૫ રૃપિયા પ્રતિ વર્ષ સૂચવાયા છે. તેવી જ રીતે ફાયર ચાર્જસનો નવો કર સૂચવાયા છે. જે પ્રતિ વર્ષ રૂપિયા ૧૦ વસૂલવા સૂચન કરાયું છે.સ્ટ્રીટ લાઈટ ચાર્જ તમામ માટે વાર્ષિક રૂપિયા ૨૦૦ સૂચવાયા છે. આમ નવા કર – દર વધારાથી વધારાની રૂપિયા ૫૩ કરોડની આવકનો અંદાજ રાખવામાં આવ્યો છે. જામનગર મહાનગર પાલિકા માથે રૂપિયા ૭૨૦૩૪ લાખનું દેવું છે. તો ૫૬૨૨૩ લાખનું લેણુ છે. હવે આ બજેટ માં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સુધારા વધારા કરવામાં આવ્યા પછી મંજુર કર્યા બાદ આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલાશે.જ્યાં ચર્ચા વિચારણા થશે.વિપક્ષ પણ તડાપીટ બોલાવશે .ત્યાર બાદ બજેટ ને મંજૂરી આપવામાં આવશે.