જામનગર શહેર પ્રાંત અધિકારી દર્શન શાહના અધ્યક્ષસ્થાને ‘શહેર તાલુકા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીઅને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. 24 એપ્રિલ, 2003 ના રોજ સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. રાજ્યસ્તરે સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતાં ‘સ્વાગત સપ્તાહ કાર્યક્રમ’ ની ઉજવણી કરવામાં આવશે.

જે અંતર્ગત, જિલ્લા કલેકટર કચેરી ખાતે જામનગર શહેર પ્રાંત અધિકારી દર્શન શાહના અધ્યક્ષસ્થાને શહેર તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અરજદારોને સ્થળ પર જ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. તેમજ પ્રાંત અધિકારીદ્વારા સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. અરજદારોના પ્રશ્નો સાંભળીને ભવિષ્યમાં આવી કોઈ ફરિયાદ આવે તો તેના પર તાત્કાલિક ધોરણે કામ કરવું તે અંગે સૂચના આપી હતી.

ઉપરોક્ત કાર્યક્રમમાં શહેર મામલતદાર વિરલ માકડીયા, સંલગ્ન વિભાગના અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહયા હતા.