જામનગરના પુરાતત્વીય સંગ્રહાલયમાં ‘વિશ્વ સંગ્રહાલય દિવસ’ ની ઉજવણી કરાઈ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતું, રાજ્ય સરકાર હેઠળના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગરમાં ‘વિશ્વ સંગ્રહાલય દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે તા. 18 મે ના રોજ ‘વિશ્વ સંગ્રહાલય દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ 2023 માટે આંતરરાષ્ટ્રીય પરિષદ (U. N.) દ્વારા ‘વિશ્વ સંગ્રહાલય દિવસ- મ્યુઝીયમ સસ્ટેઇનઇબીલીટી એન્ડ વેલબિઈંગ’ આ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર પુરાતત્વીય સંગ્રહાલયમાં ‘વિશ્વ સંગ્રહાલય દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે ‘પીસ્તા આર્ટ વર્કશોપ’ અને ‘ક્યુરેટર ટોક’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 થી 16 વર્ષની ઉંમરના 22 બાળકોને સેજલ આસર દ્વારા પીસ્તાના વધેલા ફોતરાં અને વોટર કલરમાંથી બર્ડ ડેકોરેશન બનાવવા અંગેનું માર્ગદર્શન અપાયું હતું.

પુરાતત્વીય સંગ્રહાલયના ક્યુરેટર ડો. ધીરજ વાય. ચૌધરી દ્વારા ‘ક્યુરેટર ટોક’ માં જણાવવામાં આવ્યું હતું કે, આ દિવસે ઉજવણીનો મુખ્ય હેતુ સમાજમાં સંગ્રહાલયોની ભૂમિકા, શિક્ષા, સંકૃતિ, વિરાસતનું સંરક્ષણ અને સમાજમાં જાગૃતિ લાવવાનો છે. વર્ષ 1977 માં આંતરરાષ્ટ્રીય પરિષદ એટલે કે યુ. એન. દ્વારા તા. 18 મે ના રોજ સૌપ્રથમ વખત ‘વિશ્વ સંગ્રહાલય દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. તેમણે બાળકો અને મુલાકાતીઓને સંગ્રહાલયના મહત્વ વિષે માહિતીગાર કર્યા હતા.

વર્કશોપમાં કર્મચારી ગણ બહોળી અને સંખ્યામાં મુલાકાતીઓ હાજર રહયા હતા. તેમ ક્યુરેટર ડો. ધીરજ વાય. ચૌધરી, જામનગર પુરાતત્વીય સંગ્રહાલયની યાદીમાં જણાવવામાં આવ્યું છે.