જામજોધપુર પંથકના ખેડૂત પરિવારે ‘ગોબર ધન યોજના’થી પ્લાન્ટ સ્થાપ્યો, આજે છે ખુશખુશાલ

જાણવા જેવું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામજોધપુર :

‘ગોબર ધન યોજના’ એ પશુઓના છાણ, કૃષિજન્ય કચરામાંથી બાયોગેસ બનાવવાની દિશામાં ઉઠાવવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા માટે બાયોગેસ પ્લાન્ટ એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. ગોબર ધન યોજના એ પર્યાવરણ અનુકુલિત યોજના છે. પશુઓના છાણાંનો ઈંધણ તરીકે ઉપયોગ કરવાથી ‎ધુમાડો ઉત્પન્ન થાય છે‎, જેનાથી પર્યાવરણમાં પ્રદુષણ થાય છે. જો છાણનો બાયોગેસ પ્લાન્ટમાં ઉપયોગ કરવામાં આવે તો પ્રદુષણ ઓછું થાય છે, અને સાથે- સાથે સમયનો પણ બચાવ થાય છે.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કરશનપર ગામમાં રહેતા લાભાર્થી લખમણભાઈ ગાગીયા જણાવે છે કે, તેઓના પરિવારમાં 4 સભ્યો છે. હાલમાં તેમની રોજગારીનું માધ્યમ ખેતી છે. આખો દિવસ ખેતરમાં કામ કરીને ઘરે આવ્યા બાદ ચૂલામાં રસોઈ બનાવવી મુશ્કેલ છે. તેમનું અત્યારે નળિયાંવાળું કાચું મકાન છે. તેથી જો વરસાદ વધુ પડે, તો પાણી અંદર ટપકે એટલે ચૂલામાં રસોઈ સરખી રીતે ના બને.

તેમણે આગળ જણાવ્યું કે, તેમને ગોબર ધન યોજના હેઠળ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ મુકાવવા અંગેની જાણકારી મળતા તેમણે અરજી કરી હતી. અરજી કર્યા બાદ તેઓને હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે, અને તેમના ખેતરમાં ગોબર ગેસ પ્લાન્ટ બનાવી આપવામાં આવ્યો હતો. ગોબર ધન યોજના હેઠળ આજે તેમનો પ્લાન્ટ ખુબ સારી રીતે સક્રિય છે, અને તેના થકી તેઓને આજે ધુમાડામાંથી અને અન્ય આર્થિક બોઝમાંથી મુકિત મળી છે.

લાભાર્થી લખમણભાઈ આ યોજના અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, તેમના ઘરે નાના બાળકો છે. તેથી મોડર્ન એલ. પી. જી. સિલિન્ડરમાં અકસ્માત થવાનો ભય રહે છે. તેમના ખેતરમાં હવે બાયોગેસ પ્લાન્ટ હોવાથી ઘરમાં લીકેજ કે અકસ્માત થવાનો ભય રહ્યો નથી. આ યોજના દરેક ખેડૂત અને પશુપાલકો માટે લાભદાયી છે, તેવું કહી રહ્યા છે.