જામનગરમાં ‘બિપરજોય’ વાવાઝોડા દરમિયાન પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લામાં ‘બિપરજોય’ વાવાઝોડાની પરિસ્થિતિ દરમિયાન જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાએ ‘કવીક રિસોર્સ ટીમ’ બનાવીને જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન વિભાગની ટીમ દ્વારા પશુપાલકોને વાવાઝોડા સામે સાવચેતીના પગલાની જાણકારી આપતી માહિતી પત્રિકાનું રૂબરૂ મળીને વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના કુલ 35,843 પશુઓને વિવિધ ચેપી રોગો સામે લડવા અર્થે રસીકરણ પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લાના તમામ તાલુકામાં જરૂરી દવાઓ, સાધનની કીટ સાથે પશુપાલકની ટીમની રચના અને દરેક તાલુકામાં 1 મદદનીશ પશુપાલન નિયામકના સ્થાને તાલુકા લાયઝન અધિકારી તરીકે નિમણુંક કરાઈ હતી. તેમજ રાજ્ય પશુપાલન વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાએ માહિતીની આપ- લે અને પશુપાલન વિભાગની તમામ કામગીરીનું મોનિટરીંગ કરવા માટે વર્ગ- 1ના  જિલ્લા લાઇઝન અધિકારીની ખાસ નિમણુંક કરવામાં આવી હતી.

આ ઉપરાંત, જામનગર જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત ગામડાઓમાં તાત્કાલિક પશુ સારવાર અને રસીકરણ માટે નિઃશુલ્ક ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર 1962 માંથી કોઈપણ ઈન્કવાયરી કે પશુ સારવાર, મદદ અર્થનો કોલ મળ્યે તે પશુઓની તાત્કાલિક સારવાર કરવામાં આવી છે.

પશુપાલકો દ્વારા નજીકની પશુપાલન સંસ્થાના પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કર્યા બાદ પશુપાલન ખાતાની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લઈને ચકાસણી કરવામાં આવી હતી. તેમજ બીમાર પશુઓને યોગ્ય દવા અને સારવાર કરાઈ હતી.