શિક્ષણ વંચિત કન્યાઓ માટે રિલાયન્સ ઈંડસ્ટ્રીઝનો ‘ઓપન સ્કુલીંગ પ્રોજેક્ટ’ આશીર્વાદરૂપ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં ચાલી રહેલા ‘ઓપન સ્કુલીંગ પ્રોજેક્ટ’નાં ખૂબ સુંદર પરિણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં ‘ઓપન સ્કુલીંગ પ્રોજેક્ટ’નો લાભ લઈને 160 જેટલી વિદ્યાર્થીનીઓ ધોરણ 10ની પરિક્ષા પાસ કરીને ઉચ્ચ શિક્ષણ, નોકરી કે પોતાના સ્વતંત્ર વ્યવસાયની દિશામાં આગળ વધી ચુકી છે. કોઈ પણ કારણોસર અભ્યાસ કરવાની તકથી વંચિત રહેલી બાળાઓને ફરી શિક્ષણ પ્રાપ્ત કરાવવા માટે રિલાયન્સ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ પ્રવ્રુત્તિના ભાગરૂપે સને 2017થી ‘ઓપન સ્કુલીંગ પ્રોજેક્ટ’ હાથ ધરવામાં આવ્યો છે.

તાજેતરમાં જાહેર થયેલાં NIOSનાં પરિણામમાં સને 2022-23ની બેચમાં આ યોજનામાં જોડાયેલી તમામ 20 વિદ્યાર્થીનીઓ ખુબ સારા માર્કસ સાથે ઉત્તિર્ણ થઈ છે. 2017થી શરૂ થયેલી આ શિક્ષણ યાત્રા અવિરત રીતે ચાલી રહી છે અને વધુને વધુ કન્યાઓ તેનો લાભ લઈ રહી છે.

આ પ્રોજેક્ટ દ્વારા જે કન્યાઓને કોઈ પણ કારણોસર અભ્યાસ છોડી દેવો પડ્યો હોય તેમને તમામ પ્રકારની મદદ કરીને NIOS દ્વારા લેવાતી ધો. 10ની પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમને અનુકુળ હોય તેવા સમયે રોજ ટ્યુશન ઉપરાંત એડમીશન અને પરિક્ષા ફી, અભ્યાસ માટે જરૂરી પુસ્તકો તેમજ સાધન-સામગ્રી વગેરે પૂરું પડાય છે.

કેટલીયે કન્યાઓ એવી હોય છે કે,સામાજિક અને આર્થિક કારણોસર એમને અભ્યાસ છોડવો પડતો હોય છે પરંતુ નિયમિત પરામર્શ બાદ એમના વાલીઓ પણ આગળ આભ્યાસ માટે મોકલવા તૈયાર થાય છે અને આ કન્યાઓએ પણ સખત મહેનત કરીને સુંદર પરિણામ લાવી આપ્યું છે. દસમા ધોરણની બોર્ડની પરીક્ષાની તૈયારી ઉપરાંત આ કન્યાઓ સીવણ, હસ્તકલા, મહેંદી જેવા આર્થિક ઉપાર્જનમાં મદદરુપ થાય તેવાં કૌશલ્યો પણ પ્રાપ્ત કરે છે.

રિલાયન્સ દ્વારા NIOS માં જોડાતી કન્યાઓની આરોગ્યની જાળવણી અને આંખોની સંભાળ માટે સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે અને એનિમિયા સહિતની આરોગ્ય સંબંધિત તકલીફોની સારવાર પણ અપાય છે. સર્વાંગી વિકાસ માટે આર્થિક, ડિજિટલ સાક્ષરતા અને વ્યાવસાયિક માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે.