જેલમાં કેદીઓને આપતા માનદ વેતનમાં વધારો, જામનગર જેલમાં કેદીઓને મોં મીઠા કરાવાયા

ગુજરાત જાણવા જેવું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યની જેલોમાં રહેલ સજા પામેલ કેદીઓને જેલમાં માનસ સુધારણા પ્રવૃત્તિના ભાગરૂપે સજા પૂર્ણ કરી જેલમુક્ત થયાં બાદ તેઓ સમાજમાં પુનર્વસન પામી શકે, તેઓને જેલજીવન દરમ્યાન દૈનિક પ્રવૃત્તિ સાથે આર્થિક ઉપાર્જન પણ મળી રહે તેમજ તેઓના કૌશલ્યનો પણ વિકાસ થાય તેવા વિવિધ રચનાત્મક અને હકારાત્મક અભિગમ અન્વયે કેદીઓને તાલીમ સહ ઉત્પાદનના ધોરણે વિવિધ ઉદ્યોગલક્ષી કામગીરી સોંપી તૈયાર કરવામાં આવે છે.

આ કામગીરીના ભાગરૂપે કેદીઓને વર્ગીકૃત કરી બિનકુશળ, અર્ધકુશળ અને કુશળની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં બિનકુશળ કેદીઓ માટે 70/રૂ., અર્ધકુશળ કેદીઓ માટે 80/-રૂ.અને કુશળ કેદીઓ માટે 100/-રૂ. મુજબ માનદ વેતન ચૂકવવામાં આવતું હતું.

જે રાજ્ય સરકારના માનવીય અભિગમ તથા અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન રાવના અથાગ પ્રયત્નોથી સુધારો કરવામાં આવેલ છે. જેમાં સુધારો કરી બિનકુશળ કેદીઓ માટે 110/-રૂ., અર્ધકુશળ કેદીઓ માટે 140/-રૂ.અને કુશળ કેદીઓ માટે 170/-રૂ. કરવામાં આવેલ છે. જે બાબતે જામનગર જીલ્લા જેલ અધિક્ષક એમ. એન. જાડેજા દ્વારા જેલમાં કામ કરતા કેદીઓને જાણ કરી થયેલ વેતન વધારા બાબતે વાકેફ કરવામાં આવેલ છે અને કેદીઓને મોં મીઠુ કરાવીને અભિનંદન પાઠવ્યા હતા.