લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ પહેલા જ જામદુધઈ ગામમાં મતદાન બહિષ્કારના બોર્ડ લાગ્યા…!!!

સૌરાષ્ટ્ર-કચ્છ

 

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

લોકસભાની ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચે ટાઈમ ટેબલ જાહેર કર્યું છે અને લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ થાય તે પહેલા જ જામનગર જિલ્લાના છેવાડાના જોડીયા પંથકના જામ દુધઈ ગામે સ્થાનિક લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનર મારી વિરોધ વ્યક્ત કર્યો છે.

લોકસભાની ચૂંટણી પહેલા જામનગર જિલ્લાના જોડીયા તાલુકા જામ દૂધઇ ગામે ગ્રામજનો દ્વારા ચુંટણીનો બહિષ્કારના બેનરો લગાવી વિરોધ કર્યો છે. ગ્રામજનો દ્વારા આગામી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેમજ ચુંટણીના પ્રચાર માટે કોઈ પણ પક્ષના નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવું ગામના મુખ્ય દ્રાર પર પોસ્ટર લગાવ્યું છે.

અંદાજિત 2000ની વસ્તી ધરાવતું જામ દુધઇ ગામની વિવિધ રજૂઆતો અને વિકાસલક્ષી કામો ન થયા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ગામમાં પાણીનો યોગ્ય નિકાલ, સ્ટ્રીટ લાઇટ, રોડ-રસ્તા, ગટર, પીવાના પાણીની સુવિધા, સાથે સાથે નવા બનેલા નેશનલ હાઇવેના કામમાં ગામની મિલકતનું યોગ્ય વળતર મળેલ નથી. ખેડૂતો માટે બનાવેલ 8 વર્ષ જુની કેનાલમાં પાણી આપેલ નથી. આ અંગે અનેક રજૂઆતો કરાઈ હોવા છતા કોઈ પરિણામ ન આવતા ગ્રામજનોએ આગામી ચુંટણીનો બહિષ્કાર કરવા માટે વિરોધ વ્યક્ત કર્યો છે. અને જ્યાં સુધી પાયાના પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી ગામના કોઈપણ વ્યકિત મત આપવા નહીં જાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • તસવીરો : મનસુખ રામોલિયા