જામનગરમાં પ્રેમ લગ્નની રંજિશમાં બહેનની હાજરીમાં બનેવીની સાળા અને તેના મિત્ર દ્વારા નિર્દય હત્યા

ક્રાઈમ સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

જામનગર શહેરના પંચેશ્વર ટાવર પાસે આવેલા વંડા ફળી વિસ્તારમાં વસંત પંચમીના પવિત્ર દિવસે ધોળે દહાડે થયેલી હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. પ્રેમ લગ્નના મુદ્દે યુવાન પર તેની પત્નીના ભાઈ તથા તેના મિત્રએ છરી વડે જીવલેણ હુમલો કરી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

જામનગર શહેરમાં આવેલા વંડા ફળી વિસ્તારમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે ફ્લેટ નંબર 502માં રહેતા નિલય અશોકભાઈ કુંડલીયા નામના યુવાન પર સવારે અંદાજે સાડા દસથી પોણા અગિયાર વાગ્યાની વચ્ચે તેના સાળા અને સાળાના મિત્રએ ઘરમાં ઘૂસી છરીના અંધાધૂંધ ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા નિલય લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.

ઘટના સમયે ઘરમાં હાજર રહેલી તેમની પત્નીએ પતિને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન તે પોતે પણ લોહીથી ખરડાઈ ગઈ હતી. તેની ચીસો સાંભળી પાડોશીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ એ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે ગંભીર હાલતમાં નિલયને જી.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. સીટી ‘એ’ ડિવિઝનના પી.આઈ. નિકુંજ ચાવડા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ, નિલય કુંડલીયાએ થોડા સમય અગાઉ પ્રેમ લગ્ન કર્યા હોવાથી પત્નીના પરિવારજનો આ લગ્નથી નારાજ હતા. આ રંજિશના કારણે પત્નીના ભાઈ અને તેના મિત્રએ હત્યાની ઘટના અંજામ આપી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.