ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામનગર શહેરની ભાગોળે નાઘેડી વિસ્તાર પાસે આવેલા લહેર તળાવમાં આજે વહેલી સવારે એક કરુણ ઘટના સામે આવી છે. જામનગરના ઉદ્યોગજગત સાથે સંકળાયેલા 63 વર્ષીય વૃદ્ધ ભરતભાઈ નાથાલાલ શાહે તળાવમાં ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લેતા ઉદ્યોગ આલમ અને સ્થાનિકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની વિગત : આજે વહેલી સવારે નાઘેડી નજીક આવેલા કબીર લહેરતળાવ પાસેથી પસાર થતા રાહદારીઓએ જોયું હતું કે એક બાઈક તળાવના કાંઠે બિનવારસી હાલતમાં પડેલું છે અને કોઈ વ્યક્તિ પાણીમાં ખાબક્યું હોવાની શંકા જણાતી હતી. આ અંગેની જાણ તાત્કાલિક પોલીસ અને જામનગર ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન :ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પાણીમાં લાંબી શોધખોળ હાથ ધર્યા બાદ અંતે એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ મૃતદેહ જામનગરના ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા અને જામનગર ના પોશ વિસ્તારગણાતા શરૂ સેક્શન રોડ પર અંબિકા ડેરીની બાજુમાં અભિલાષા એપાર્ટમેન્ટમાં રહેતા અને ભરતભાઈ નાથાલાલ શાહ (ઉં.વ. 63) નો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે.
તપાસનો ધમધમાટ : મૃતદેહનું પોસ્ટમોર્ટમ: પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ (PM) માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.
કારણ અકબંધ: ભરતભાઈએ કયા કારણોસર આ અંતિમ ડગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ તેમના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે જેથી આપઘાત પાછળનું સાચું કારણ બહાર આવી શકે.
ચકચાર: 63 વર્ષની વયે અને ઉધ્યોગ સાથે જોડાયેલ હોવા છતાં તેમણે કેમ આવો નિર્ણય લીધો તે બાબત અત્યારે શહેરમાં ચર્ચાનો વિષય બની છે.
