જામજોધપુરમાં ડ્રોન ટેકનોલોજીથી ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ યોજનાનો કૃષિમંત્રી રાઘવજી પટેલે શુભારંભ કરાવ્યો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જિલ્લાની જામજોધપુર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે અદ્યતન ડ્રોન ટેકનોલોજી વડે ખેતરોમાં ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા પુરસ્કૃત કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગની સમગ્ર રાજ્યમાં આજથી શરૂઆત કરવામાં આવી છે.

કૃષિમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આપણી પરંપરાગત ખેતી પધ્ધતિ મુજબ યુરિયા ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાથી સમય શકિત, પાણી, વીજળી અને નાણાંનો વ્યય થતો હતો. રૂ. ૩૫૦૦ લાખના ખર્ચે વિકસાવવામાં આવેલ અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિ શરુ કરાઇ છે. જે અંતર્ગત ખેડૂતોને પ્રતિ એકર રૂ. ૫૦૦ની સહાય આપવામાં આવશે.

ખેડૂતોને ઍક વર્ષમાં મહતમ ૫ એકર જમીન માટે ૫ વખત યુરિયા ખાતર છંટકાવ કરવા માટે અન્ય કુલ રૂ. ૨૩૦૦ લાખની સહાય પણ મંજૂર કરવામાં આવી છે. પૂર્વે ખેડૂતો દ્વારા ખાતરો અને જંતુનાશક દવાઓ છાંટવામાં આવતી હતી જેથી તેમના આરોગ્ય પર ગંભીર ખતરો તોળાતો હતો. અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા યુરિયા ખાતરનો છંટકાવ કરવાથી ખેડૂતોની સમય શક્તિ, પર્યાવરણનું રક્ષણ, ડીઝલ, પાણી, વીજળીની બચત તેમજ મજૂરી ખર્ચ પણ બચશે.

કાર્યક્રમમાં જામજોધપુર એ.પી.એમ.સી. ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજા, જામજોધપુર તાલુકા પંચાયત ઉપ પ્રમુખ દેવાભાઇ પરમાર, જામજોધપુર નગરપાલિકા ઉપ પ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર, પૂર્વ વાસમો ડાયરેકટર અમુભાઈ, એ.પી.એમ.સી. ડાયરેક્ટ સી.એમ. વાછાણી, જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. ચેરમેન હર્ષદીપભાઈ ત્રિવેદી, એ.પી.એમ.સી. વાઇસ ચેરમેન કરશનભાઈ કરાંગિયા, એ.પી.એમ.સી. પ્રમુખ કિશોરસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડિયા, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ ભાલોડિયા, પ્રાંત અધિકારી એન.ડી. ગોવાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ. ગોહેલ, મદદનીશ ખેતી નિયામક (રાજકોટ વિભાગ) એસ.કે. વડારિયા, જિલ્લા મદદનીશ ખેતી નિયામક (પેટા વિભાગ) એન.બી. ચૌહાણ, અલગ અલગ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, તમામ યાર્ડના ડાયરેકટરઓ, ચેરમેનઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો, ખેડૂતો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.