જામનગરમાં સ્થાનિક કક્ષાએ જ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા નવતર પહેલ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરની સમરસ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે હોસ્ટેલમાં રહેતા અને આયુર્વેદનો અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ સમરસ હોસ્ટેલના રૂમમાં જ ચિકિત્સાલયની શરૂઆત કરી એક ઉત્કૃષ્ટ પહેલ કરી છે.

આ અંગે સમરસ હોસ્ટેલમાં રહેતા સુરતના દીક્ષિત ગાંગાણી તથા ભાવનગરના અજય ઘોઘારી જણાવે છે કે, અમે જામનગરની ITRA સંસ્થામાં અભ્યાસ કરીએ છીએ તેમજ છેલ્લા એક વર્ષથી સમરસ હોસ્ટેલ જામનગરમાં પ્રવેશ મેળવેલ છે. અહીંના નિતી નિયમો મુજબ સાંજના 7 વાગ્યા પછી અંદર આવવાની પરવાનગી નથી. તેમજ જામનગર સમરસ હોસ્ટેલ શહેરથી ઘણી દૂર હોવાથી વિદ્યાર્થીઓને આરોગ્ય ક્ષેત્રે મુશ્કેલીઓ પડતી હતી.

આવી મુશ્કેલીઓનુ નિવારણ લાવવા સૌના આરોગ્યને ધ્યાનમાં લઈ હોસ્ટેલના સૌ વિદ્યાર્થીઓને સ્થાનિક કક્ષાએ જ પ્રાથમિક દવાઓ તથા સારવાર મળી રહે તે અંગેની એક નવિન પહેલનો વિચાર આવ્યો જેના પરિણામ સ્વરૂપે ડો.ઘનશ્યામ વાઘેલાની હાજરીમાં સમરસ બોયસ હોસ્ટેલના રૂમ નં.304માં અમે અશ્વિની ચિકિત્સાલયની શરૂઆત કરી.

સુરત તથા જામનગરની વિવિધ હોસ્પિટલથી અમને અમારા મેડિકલ ક્ષેત્રે પૂરતો અનુભવ મળેલ હોવાથી તેમજ હોસ્ટેલના વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં લઈ આ પ્રકારની નવતર પહેલ કરી. જે પહેલ અંતર્ગત હોસ્ટેલના વિદ્યાર્થીઓને 24×7 સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે.વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ આ પ્રકારની સુવિધા મળવાથી તેમનામાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.