જામનગર જિલ્લા પંચાયતમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે બેઠક યોજી રીતસરના ક્લાસ લીધા…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત કચેરીના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ યોજનાઓ તથા વિકાસ કામોની સમિક્ષા કરી હતી. આ બેઠક દરમિયાન કૃષિ મંત્રીએ કામોને લઈને વિશેષ તમામ લોકોને શાનમાં કહી દીધું હતું કે, કોઈપણ જાતની ગેરરીતી સરકારી કામોમાં ચલાવી લેવાશે નહીં અને લોકો સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રજાની અપેક્ષા મુજબ કામ કરવા જોઈએ.

આ બેઠકમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિકાસ કામોની રજૂઆતો જેમ જેમ સરકારને મળે છે. તેમ સરકાર સત્વરે વિકાસ કામોને મંજુરી આપી રહી છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો અધિકારી ઓ તથા પદાધિકારી ઓ યોગ્ય સંકલન કરી ઉપયોગ કરશે તો ઝડપથી જિલ્લાના પ્રશ્નોનું નિવારણ લાવી શકાશે.નમુનારૂપ કામગીરી કરી જિલ્લાના વિકાસને નવી ઉંચાઈ પર લઈ જવા અને છેવાડાના માનવીને પણ સરકારની યોજનાઓના મીઠા ફળ પ્રાપ્ત થાય તે દિશામાં કામગીરી કરવા ઉપસ્થિત સૌ કોઈને મંત્રી એ આહ્વવાન કર્યું હતું.

વિકાસકામોની ગુણવતા તથા ખેડૂતોના નામે કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવશે તો તે અંગે કાયદાકીય પગલા લેવામાં આવશે તેમપણ મંત્રી એ ઉમેર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તથા જિલ્લા પંચાયતના વિવિધ સમિતીઓના અધ્યક્ષ ઓ તથા અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.