જામનગરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન 15 દિવસમાં 2.52 કરોડના ખર્ચે 130 જેટલા વિકાસકામોની ભેટ મળી…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાતમાં રાજ્ય સરકારની 20 વર્ષની વિકાસગાથાને ગામેગામ અને નગરે-નગર સુધી પહોંચાડવા માટે જામનગર જિલ્લામાં તા. 5 જુલાઈથી 20 જુલાઈ, 2022 દરમિયાન આયોજિત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ જામનગર જિલ્લાને ફળી છે, જેમાં ૧૫ દિવસ દરમિયાન જામનગર જિલ્લાને રૂ. 2.52 કરોડના ખર્ચે 130 જેટલા વિકાસકામોની ભેટ મળી છે. સાથોસાથ મંત્રીગણ અને પદાધિકારીઓ-મહાનુભાવોના હસ્તે 3142 લાભાર્થીઓને રૂ. 6..61 કરોડની વિવિધ યોજનાકીય સહાય અર્પણ કરવામાં આવી છે. ‘વંદે ગુજરાત યાત્રાના બે વિકાસ રથોએ ગામેગામ પરિભ્રમણ કરી જિલ્લાના 299 ગામ અને 4 નગરપાલિકાને આવરી લઈ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી નાગરિકોને માહિતગાર કર્યા હતા.

‘વંદે ગુજરાત યાત્રા’ દરમિયાન વ્હાલી દીકરી યોજના, કૃષિ વિભાગની વિવિધ યોજના, આરોગ્ય વિભાગ અને PM જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, માતૃવંદના, પુર્ણાશક્તિ યોજના, સત્વ યોજના, ખેતીવાડી નવીન વીજ જોડાણ યોજના, ઉજ્જ્વલા યોજના, વિધવા સહાય યોજના, વૃદ્ધ પેન્શન સહાયના લાભાર્થીઓને યોજનાના લાભો અને મંજૂરીપત્રો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે ગામે ગામ વિકાસ રથોના સામૈયા કરી કુમકુમ તિલક અને ઢોલ શરણાઈના નાદ સાથે વાજતેગાજતે આવકારવામાં આવ્યા હતા તેમજ સ્વચ્છતા અભિયાન, નિરામય યોગા કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ, રંગોળી, જંતુજન્ય અને પાણીજન્ય રોગોની સમજ, જળ અને પર્યાવરણ સંરક્ષણ, આંગણવાડી કેન્દ્રો પર વાનગી સ્પર્ધા, 0 થી 6 વર્ષના બાળકોનું ગ્રોથ મોનિટરીંગ, રસીકરણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સ્થાનિક ગ્રામજનો-નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા.