જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા બીજામૃત મહોત્સવ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આહવાન અનુસાર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે આત્મા પ્રોજેકટ જામનગર દ્વારા બીજામૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. આ ઉજવણી અંતર્ગત પ્રાકૃતિક કૃષિના મુખ્ય પાંચ આયામો પૈકી બીજામૃત એટલે કે બીજને પટ આપવાની બાબતને કેન્દ્રમાં રાખી બીજામૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

આ પધ્ધતિમાં ૧૦૦ કિગ્રા બીજ માટે ૨૦ લીટર પાણી, ૫ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૫ કિગ્રા દેશી ગાયનું ગોબર, ૫૦ ગ્રામ ચૂનો અને ૧ મુઠી ઝાડ નીચેની માટી વગેરેનો ઉપયોગ કરી બીજ સંસ્કાર માટે બીજામૃત બનાવવામાં આવે છે.

નિદર્શનમાં મગફળીના બિયારણને પટ આપવા અંગે કેમ્પ કરી બીજામૃતનો પટ બનાવી ખેડૂતોને તેનુ પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવે છે. આ પટ આપવાથી બીજ ઝડપથી અંકુરિત થાય છે. અને જમીનજન્ય રોગો સામે રક્ષણ મળે છે. તેમજ પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે.

આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા ચાલુ વર્ષે આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલા અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને નિદર્શન ઘટક અંતર્ગત મગફળી બિયારણનું વિતરણ જિલ્લાના તમામ તાલુકાઓમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં આત્મા પ્રોજેક્ટના પ્રોજેકટ ડાયરેક્ટર બી.એમ.આગઠના માર્ગદર્શન હેઠળ મગફળીના બિયારણને બીજામૃતનો પટ આપી આ વિતરણ કરવામાં આવી રહ્યું છે.